(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલમાં છૂટાછેડા માટે પતિ, સાસુ-સસરા, જેઠ જેઠાણી, નણંદ અને કાકાજી સસરાએ પરિણીતાને દબાણ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતાં પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ગોંડલ પોલીસે સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુર પંથકમાં રહેતાં ક્રિષ્નાભાઈ મહીપતભાઇ સીરતુરે (ઉ.વ.59) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેમની નાની પુત્રી કુસુમ ઉર્ફે કાજલના પતિ નીરવ હિતેષ પડીયા, જેઠ અમિત, જેઠાણી શીતલબેન, નણંદ ભવિષાબેન, સસરા હિતેષ પડીયા, સાસુ નિલાબેન (રહે. તમામ નાગર શેરી, ગોંડલ) અને કાકાજી સસરા સુરેશ પડીયા (રહે. મહુવા)નું નામ આપતાં ગોંડલ સીટી પોલીસે મરવા મજબુર કર્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તેની સૌથી નાની પુત્રી કુસુમબેન ઉર્ફે કાજલના લગ્ન ચારેક વર્ષ પહેલા ગોંડલ નાની બજારમાં રહેતા નિરવ હિતેષ પડીયા સાથે થયેલ હતા. તેને સંતાનમા એક ત્રણ વર્ષની દિકરી છે.
લગ્ન બાદ એકાદ વર્ષ સુધી સારી રીતે રાખેલ ત્યાર બાદ તેમની દિકરી કુસુમબેનને તેના પતિ, જેઠ, જેઠાણી, નણંદ, સસરા અને તેના સાસુ તેમજ કાકાજી સસરા હેરાન કરતા હોવાનો તેમની દિકરીનો ફોન આવતો હતો. તેઓની દિકરીને સાસરિયાઓ ખાવાનુ ન આપતા હોય તેમજ તેનો પતિ અવાર નવાર મારમારતો, જેઠ અમીત તેણીનો સામાન ઘરમાંથી બહાર ફેંકી દીધેલ તેમજ જેઠાણી, સાસુ અને નણંદ જે પણ રીસામણે રહેતા હોય તે બધ મેણાટોણા મારી ત્રાસ આપતા હતાં. સાસુ તેની સાથે સબંધ તોડી નાખવાનુ કહેતી અને તેના પતિને ચઢામણી કરતી હોય જેથી તેનો પતિ અવાર નવાર મારમારતો અને ખાવાનું નહી આપતો તેમજ કપડા તથા બીજી ચીજવસ્તુઓ લઇ દેતો નહિ. તેના કાકાજી સસરા છુટા છેડા કરી લેવા દબાણ કરતો હતો.
દરમિયાન છેલ્લા એકાદ વર્ષથી તેમની પુત્રી અને જમાઈ અલગ ભાડાના મકાનમાં રહેવા જતા રહેલ હતાં.તેમની પુત્રીને પતિ રાશન લઈ આવતો નહિ અને તે તેના માતા પિતાના ઘરે જમીને ઘરે જતો હતો. દરમિયાન તેમની પુત્રીને ગઇ તા.10/9/24ના ઘરેથી કાઢી મુકેલ તે અંગે 181માં ફોન કરેલ હતો. બાદમાં ગઇ તા.11ના ગોંડલ મહીલા પોલીસ સ્ટેશનમા તેના સાસરીયાઓ વિરૂધ્ધ અરજી કરેલ હતી. તેમજ તેઓએ ગઇ તા. 14 ના પોલીસ અધિક્ષકને અરજી કરેલ હતી. ગઇ તા.13 ના સાંજના ચારેક વાગ્યે તેમને તેમની પુત્રીનો ફોન આવેલ કે, મને મારા ઘરવાળા બહુ હેરાન કરે છે, ત્રણ દિવસથી ઘરની બહાર રાખેલ છે, તમે મને તેડી જાવ તેમ કહેતાં તેઓ ઘરેથી નીકળી સુરત રહેતી દિકરીને ત્યા ઉતરી કુસુમબેનને ફોન કરેલ તો તેનો ફોન સ્વીચ ઓફ આવેલ હતો. જેથી બીજા દિવસે તે ગોંડલ આવવા નીકળેલ ત્યારે તેણીના જેઠ અમીતનો ફોન આવેલ અને કહેલ કે, તમે રાજકોટ આવીને મને ફોન કરજો, ગોંડલ ન જતા, તમારી દિકરીએ દવા પીધી છે અને તેને રાજકોટ હોસ્પીટલમા દાખલ કરેલ છે તમે રાજકોટ પહોંચો એટલે કહેજો હુ તમને તેડવા આવીશ.
બાદમાં તેણી રાજકોટ સરકારી હોસ્પીટલ ગયેલ તો ત્યા તેમનો જમાઈ નિરવ હાજર હતો અને દિકરી વેન્ટીલેટર ઉપર રાખેલ હતી. દરમિયાન તેમના જમાઈ નિરવએ વાત કરેલ કે, ગઇ તા.13નાં પોતાની જાતે દવા પી જતા તેને સારવારમા દાખલ કરેલ છે. બીજા દિવસે તેમની પુત્રીનો જેઠ આવેલ અને કહેલ કે, તમારી દિકરી નાટક કરે છે, એવુ કાઇ છે નહી, તેને બીજા દવાખાને લઇ જવાનુ કહેલ તો, તેણે કહેલ કે, તમારી જવાબદારીએ લઇ જાવ, તમને બે લાખ રૂપીયા આપીશુ કહેલ હતું. ત્યારબાદ જેતપુર સાસરે રહેલ તેમની દિકરી અને તેના પતિ હરીશભાઈ આવેલ હતાં. દરમિયાન તેમની પુત્રી કુસુમના પતિ નીરવ હોસ્પીટલથી જતો રહેલ હતો. બાદમાં તેમના સાસરિયાઓ આવેલ ત્યારે બનાવ બાબતે પુછતા કહેલ કે, તમારી દિકરી કુસુમબેને જાતેથી દવા પીધેલ છે, કહીં તેઓ નીકળી ગયાં હતાં. દરમ્યાન ગઈકાલે બપોરના તેમની પુત્રીનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ પરથી ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.