(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખએ આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈ વાઢેર (રહે. જામનગરવાળા)ને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલી છે. આ બનાવમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની દીકરીને આરોપી લગ્નની લાલચ આપી અને ભગાડી ગયો હતો. તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ.ગરચરે ગુનો નોંધી અને આગળની તપાસ કરેલી હતી અને ગણતરીના કલાકોમાં જામનગર થી ભોગ બનનાર તથા આરોપીને પકડી લાવેલા હતા. ત્યારબાદ કેસ ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવેલ છે.
આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલો હતો કે ભોગ બનનાર દીકરી ઇન્સ્ટાગ્રામના મારફતે આરોપીના સંપર્કમાં હતી ભોગ બનનાર દીકરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પોતાના મોટા બેનની જન્મ તારીખ દર્શાવતી એક્ઝામિનેશન હોલ રીસીપ્ટ માં પોતાનો ફોટો ચોંટાડી અને આધારકાર્ડમાં પોતાનો ફોટો ચોંટાડી અને આરોપી પાસે સામેથી ગયેલી છે. આ કિસ્સામાં ભોગ બનનાર સહમતીથી ડોક્યુમેન્ટ ટેમ્પર કરીને ગયેલા છે.
જ્યારે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ તરફથી દલીલો કરવામાં આવેલી હતી કે ભોગ બનનારના જન્મની નોંધ કાયદેસરની પ્રક્રિયાના અંતે થયેલી છે ભોગ બનનારની જુબાની જોવામાં આવે તો આરોપી તેને લગ્નની લાલચે ફોસલાવીને લઈ ગયાનો નક્કર પુરાવો છે. આ ભોગ બનનારની સાથે આરોપીએ શરીર સંબંધ બાંધેલો છે અને તેને મુંબઈ લઈ ગયો છે. આરોપી સારી રીતે જાણતા હોય કે ભોગ બનનાર નાની ઉંમરની છે ભોગ બનનારે પોતાની જુબાનીમાં એવું જણાવેલું કે આવા ખોટા દસ્તાવેજો ઊભા કરવા આરોપીએ દબાણ લાવેલું હતું તે હકીકત ન માનવાને કારણ નથી.
આ તમામ દલીલો અને ડોક્ટર રૂબરૂની આરોપી તથા ભોગ બનનારની હિસ્ટ્રી અને ફોરેન્સિક સાયન્સ એવિડન્સના અહેવાલો જોતા ભોગ બનનારના યુરેથલ સ્વભાવ ઉપર માનવ વીર્યની હાજરી મળેલી હતી ભોગ બનનાર ની ઉંમર 18 વર્ષથી નાની હોય સહમતીનો બચાવ પણ ઉભો રહી શકે નહીં તેવી દલીલો કરી હતી. આ તમામ દલીલોને ધ્યાને લઈ અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખએ આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 363 કલમ 366 કલમ 376 (2)(એન) તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ તક્ષીરવાન ઠરાવી અને રૂપિયા 8000 દંડ ફટકારેલ હતો.