ખુદ એસપી પ્રેમસુખ ડેલુએ ફરિયાદી બની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી’તી
(આઝાદ સંદેશ), રાજકોટ : જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નામ અને ફોટાનો ઉપયોગ કરીને ફેક ફેસબુક આઈડી બનાવીને ઠગાઈ કરતી ગેંગના એક શખસને રાજસ્થાનના અલવર જિલ્લા ખાતેથી જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઈને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ જામનગર એસપી પ્રેમસુખ ડેલુના નામ અને ફોટાનો ઉપયોગ કરી ફેસબુક પ્લેટફોર્મ ઉપર પ્રેમસુખ ડેલુ આઈપીએસ નામ વાળી ફેક આઈ.ડી.બનાવી પોલીસ ઓફીસર તરીકેની ખોટી ઓળખ ઉભી કરી અને ઠગાઈ કરવાના ઈરાદેથી આઈ.ડી.પર વેચાણ અર્થે વસ્તુઓની ખોટી પોસ્ટ કરીને ગુનો આચરતા હતાં.જેથી એસપીએ થોડા મહિનાઓ પહેલા સાયબર ક્રાઈમ પોલીસને તેની સામે ગુનો નોંધવા આદેશ આપ્યો હતો.આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ.ધાસુરાની સુચનાથી પીએસઆઈ એચ.કે.ઝાલા તેમજ સ્ટાફના ભગીરથસિંહ, રાજેશભાઈ, કુલદીપસિંહએ સોશ્યલ મીડીયામાં ફેસબુક પ્લેટફોર્મ ઉપર આરોપી દ્વારા બનાવેલ ફેક આઈ.ડી.અંગેની માહિત મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરીને હ્યુમન સોર્સિસથી માહિતી એકત્રિત કરી હતી.જે બાદ માહિતી આધારે સાયબર ક્રાઈમ પોલી રાજસ્થાનના અલવર તાલુકાના કકરાલી ગામથી ઈરસા ફજજારખાનને ઝડપી લઈ રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસે રાજસ્થાનના અલવર જિલ્લો સાયબર ક્રાઈમનું હબ હોવાનું જણાવી કહ્યું હતું કે ત્યાંના શખસો સોશ્યલ મીડીયાના પ્લેટફોર્મ પર આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ અને કસ્ટમના અધિકારીઓના નામ તથા હોદાનો ઉપયોગ કરી ફેક પ્રોફાઈલ આઈ.ડી.બનાવી ઘરવખરીનો જુનો સામાન, મોબાઈલ, સ્કુટર કે મોટર સાયકલ સહિતની વસ્તુઓનું સસ્તા ભાવે વેચાણ કરવાની લાલચ આપી બાદમાં ઠગાઈ કરી ગુનાઓ આચરી રહ્યા છે.જેથી લોકોને પણ સાવચેતી જાળવવા અપીલ કરી હતી.