બુધવાર, ફેબ્રુવારી 5, 2025

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશ્વાન વ્યંધીકરણ પાછળ રૂ.1 કરોડનો ખર્ચ છતાં એક વર્ષમાં 15,592 લોકોને કુતરાં...

શ્વાન વ્યંધીકરણ પાછળ રૂ.1 કરોડનો ખર્ચ છતાં એક વર્ષમાં 15,592 લોકોને કુતરાં કરડ્યા

મહાનગરપાલિકા દ્વારા શેરી કુતરાનો ત્રાસ કાબુમાં લેવા માટેના પ્રયાસો માત્ર કાગળ પર ! 2023-24ના વર્ષમાં 93 લાખનો ખર્ચ છતાં શેરી ગલીઓમાં રખડતાં કુતરાઓનો ત્રાસ બેકાબુ

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શેરી ગલીમાં રખડતાં કુતરાઓનો ત્રાસ કાબુમાં લેવા શ્ર્વાન વ્યંધીકરણ કામગીરી હેઠળ દરવર્ષે લાખોનો ખર્ચ કરવામાં આવતો હોવાછતાં પણ રખડતાં કુતરાઓની વસતી સતત વધી રહી હોય તેમ છેલ્લા એક વર્ષમાં એક કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પણ 15,592 શહેરીજનોને કુતરાંએ બટકાં ભરતાં હડકવાના ઇન્જેક્શન લેવા પડ્યા છે. 2025ના જાન્યુઆરી માસના પહેલા મહિનામાં જ 1772 નાગરિકોને શેરી કુતરાઓને નિશાન બનાવ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની શ્ર્વાન વ્યંધીકરણની કામગીરી માત્ર કાગળ પર જ ચાલી રહી હોવાની બુમ શહેરીજનોમાં ઉઠી રહી છે.
રાજકોટમાં શેરી ગલીઓમાં રખડતાં કુતરાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. એક તરફ કુતરા પકડવા પર અદાલતની મનાઇ છે. આ કારણે લાંબા સમયથી શહેરમાં કુતરા પકડવાની કામગીરી બંધ છે. બીજી તરફ કુતરાની વસતી કાબુમાં લેવા માટે મહાનગરપાલિકાએ શ્ર્વાન વ્યંધીકરણની કામગીરી શરૂ કરી છે. પણ, આ કામગીરીનું કોઇ ખાસ પરિણામ દેખાતું નથી. મહાનગરપાલિકાએ લાંબા સમય પહેલા શ્ર્વાન વ્યંધીકરણ કામગીરી માટે એજન્સીઓને કામગીરી સોંપવા પ્રયાસો ર્ક્યા હતા. આમાં પણ ખાસ કોઇ સફળતા મળી નહોય તેમ શહેરમાં શેરી કુતરાઓની વસતી સતત વધી રહી છે.
એક અંદાજ મુજબ શહેરમાં શેરી કુતરાઓની વસતી 35 હજારથી પણ વધુ છે. આ સામે શ્ર્વાન વ્યંધીકરણની કામગીરી સાવ શુન્ય ગણી શકાય તેવી છેે. મહાનગરપાલિકાએ શ્ર્વાન વ્યંધીકરણ માટે નાણાંકિય વર્ષ 2023-24માં રૂ. 93 લાખનો ખર્ચ ર્ક્યા હતો. આ પછી વર્ષ 2024-25ના નાણાંકિય વર્ષમાં રૂ. 1 કરોડ 30 લાખની ફાળવણી કરી હતી આમાંથી અત્યાર સુધીમાં રૂ.1 કરોડનો ખર્ચ થઇ ગયો છે. આમછતાં રખડતાં કુતરાનો ત્રાસ અને કુતરા કરડવાના બનાવો સતત વધી રહ્યા છે. જાન્યુઆરી-2024થી જાન્યુઆરી-2025 સુધીમાં 15,592 લોકોને કુુતરાં કરડતાં તેઓને હડકવા વિરોધી ઇન્જેક્શન લેવા પડ્યા છે.

સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં એકના એક દર્દીના ત્રણ હજાર નામ રિપીટ થયા!
કુતરાં કરડવાની ઘટનામાં પીડીયુ સરકારી હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં હડકવા વિરોધી ઇન્જેક્શન આપવાની સુવિધા છે. જે વ્યક્તિને કુતરૂં કરડે તેઆનેે હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં પ્રથમ ધનુરનું ઇન્જેક્શન લેવું પડે છે અને બાદમાં હડકવા વિરોધી ઇન્જેક્શન ત્રણ વખત લેવા પડે છે. આમ આવા કિસ્સામાં કુલ ચાર ઇન્જેક્શન લેવા પડે છે. ઘણાં કિસ્સામાં રાતના સમયે કુતરૂં કરડે તો જે તે વ્યકિત સરકારી હોસ્પિટલમાં એક ઇન્જેક્શન લે અને બાકીના ત્રણ ઇન્જેક્શન મહાનગરપાલિકાના નજીકના આરોગ્ય કેન્દ્રમાં લેતા હોય એકના એક દર્દીના નામ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં રિપીટ થાય છે. પણ કેન્દ્ર સરકાર હસ્તકના આઇએસએસપી પોર્ટલમાં આવા દર્દીઓની નોંધણી કરાવવાની હોવાથી એક વર્ષમાં ત્રણ હજાર નામ રિપીટ થયા હતા. આ નામ રદ કરવા પડ્યા હતા.

આરોગ્ય કેન્દ્રમાં જ એક વર્ષમાં 16,538 લોકોને હડકવા વિરોધી ઇન્જેક્શન અપાયા
મહાનગરપાલિકાના સત્તાવાર આંકડા મુજબ જાન્યુઆરી-24થી જાન્યુઆરી-25 સુધીમાં મહાનગરપાલિકા હસ્તકના 23 આરોગ્ય કેન્દ્રોમાં એક વર્ષમાં 16,538 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. આ આંકડો કમિશનર દ્વારા વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં રજુ કરવામાં આવ્યો છે. જ્યારે પીડીયુ સરકારી હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલમાં રસી લેનારાઓની સંખ્યા અલગ છે.

ગત વર્ષમાં માર્ચ માસમાં જાન્યુઆરી, એપ્રિલ, મે અને ડિસેમ્બર મહિનામાં કુતરા કરડવાના વધુ બનાવ
2024ના વર્ષ દરમિયાન કુતરા કરડવાના સૌથી વધુ બનાવ જાન્યુઆરી, એપ્રિલ, મે અને ડિસેમ્બર મહિનામાં બન્યા હતા. જેમાં જાન્યુઆરી માસમાં 1372, ફેબ્રુઆરીમાં 1170, માર્ચમાં 1063, એપ્રિલમાં 1169, મે માસમાં 1274, જુનમાં 1113, જૂલાઇમાં 1079, ઓગસ્ટમાં 932,સપ્ટેમ્બરમાં 931, ઓક્ટોબરમાં 1067, નવેમ્બરમાં 1058, અને ડિસેમ્બરમાં સૌથી વધુ 1592 કેસ બન્યા હતા. જ્યારે 2025ના વિતેલા મહિના જાન્યુઆરીમાં જ 1772 લોકોને કુતરાંએ બટકાં ભર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર