રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ ઉપર રહેતા અને ગોંડલ મામલતદાર કચેરીમાં નોકરી કરતા ચિરાગપરી પરીનામી (ઉ.વ.27)ની તાલુકા પોલીસ સ્ટેશનમાં ભાવનગરના હિરેનપરી ઉર્ફે શનિ ગોસ્વામી, અમદાવાદના સુરજ પટેલ, કોલકાતાના વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તી સામે છેતરપિંડીની ફરિયાદ
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં મામલતદાર કચેરીના કર્મચારીએ રૂ.10 કરોડની લહાયમાં રૂ.21 લાખ ગુમાવ્યા હતા. પોલીસે છ શખસ સામે ગુનો નોંધ્યો હતો. યુવકે રેસ્ટોરન્ટ બનાવવા લોન લેવાનું કહ્યું અને પરિચિતોએ કોલકાતા-મુંબઇ બોલાવી જાળમાં ફસાવ્યો હતો. આ મામલે આખરે ફરિયાદ થઈ છે.
મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પરની સુખસાગર સોસાયટીમાં રહેતા અને ગોંડલ મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વિભાગમાં હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતાં ચિરાગપરી સુરેશપરી પરીનામી (ઉ.વ.27)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગરના હિરેનપરી ઉર્ફે શનિ સુરેશપરી ગોસ્વામી, અમદાવાદના સુરજ પટેલ, કોલકાતાના વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તીના નામ આપ્યા હતા.
ચિરાગપરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને કાલાવડ રોડ પર રેસ્ટોરન્ટ અને કાફે બનાવવું હોય નાણાંની જરૂરિયાત હોવાથી તેણે લોન માટે હિરેનપરીને વાત કરતાં તેણે અમદાવાદના સૂરજ પટેલનો પરિચય કરાવ્યો હતો અને ત્રણેય ફોનમાં વાતચીત કરતા હતા. લોનના કામ અર્થે સૂરજ પટેલ રાજકોટ આવ્યો હતો અને લોનની કાર્યવાહી શરૂ કરવા માટે ચિરાગપરી પાસેથી રૂ.5 લાખ લીધા હતા. ત્યારબાદ રૂ.10 કરોડની લોન આપનાર બેંક જોવા માટે કોલકતા જવું પડશે તેમ કહી સૂરજ પટેલ પોતાની સાથે મુંબઇથી હિરેન અને ચિરાગનેે કોલકતા લઇ ગયો હતો અને ત્યાં એક બેંકની મુલાકાત કરાવી હતી. ત્યાં બેંકના કર્મચારી તરીકે વાસુંદા અગ્રવાલ, સુબોધ શર્મા, સાજિંદા અગ્રવાલ અને શંકર ચક્રવર્તી સાથે પરિચય કરાવ્યો હતો અને ત્યાં લોન અંગે આ લોકો સાથે ચિરાગપરીને વાતચીત કરાવી હતી અને બાદમાં ત્રણેય મુંબઇ આવી ગયા હતા.
થોડા દિવસ બાદ સૂરજ પટેલે કહ્યું હતું કે, 10 કરોડની લોન થઇ જશે, લોનના એગ્રીમેન્ટ માટે પૈસા આપવા પડશે, જેથી ચિરાગપરીએ તે પૈકીના રૂ.6.20 લાખનું આંગડિયું કર્યું હતું. બાદમાં તા.15 મે 2024ના એગ્રીમેન્ટ માટે ચિરાગપરીને મુંબઇ બોલાવ્યા હતા અને ત્યાં રૂ.2 લાખ એકાઉન્ટ માટે અને રૂ.3 લાખ તેના ચાર્જ પેટે વસૂલ્યા હતા. બાદમાં સૂરજ પટેલે કહ્યું હતું કે, લોન મંજૂર કરાવવા મોટ ઉપર સાહેબોને રૂ.6.20 લાખ આપવા પડશે તેમ કહેતા ચિરાગપરીએ તે રકમ પણ આપી હતી. એ રકમ ચૂકવાતા ગઠિયાઓએ ચિરાગપરીને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. થોડા દિવસ બાદ ચિરાગપરીએ તે એપ્લિકેશન ચેક કરતાં તેમાં રૂ.10 કરોડની બેલેન્સ જમા થયાનું દેખાડ્યું હતું. જોકે ચિરાગપરીએ તે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે રકમ ઉપડી શકી નહોતી. ચિરાગપરી પાસેથી રૂ. 21 લાખ ખંખેરી લીધા બાદ આરોપીએ ફોન સ્વીચઓફ કરી દીધો હતો.
ચિરાગપરીએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં રેલનગરમાં સાધુ સમાજની વાડીએ સમાજનું સંમેલન મળ્યું હતું ત્યારે હિરેનપરીનો પરિચય થયો હતો. બાદમાં બંને ફોન પર વેપાર ધંધાની વાતચીત કરતા હતા. આ દરમિયાન લોનની જરૂરિયાત અંગે વાત કરતા તેમણે લોન આપાવવા માટે અલગ-અલગ શખસો સાથે વાત કરાવતો હતો.