માનસિક અસ્થિર હોવાથી પાટા નજીક જઇ ચડતા બનેલો બનાવ
(આઝાદ સંદેશ), જામનગર : જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા ગઈકાલે બપોરે રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન ટ્રેનના એન્જિનની હેઠળ આવી જતાં કપાયા હતા અને બનાવના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક અલીયાબાડા ગામમાં રહેતા ખીમીબેન પરસોતમભાઈ લૈયા નામના 65 વર્ષના વૃદ્ધા કે જેઓ ગઈકાલે બપોરે 12.00 વાગ્યે અલિયાબાડા રેલવે ક્રોસિંગ પાસે ના પાટા ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન પોરબંદરથી હાવડા તરફ જઈ રહેલી ટ્રેનના એન્જિન હેઠળ આવી ગયા હતા, અને તેઓના દેહના ટુકડા થઈ જતાં બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે સૌ પ્રથમ રેલવે પોલીસને જાણ થતાં હાપા રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પિયુષભાઈ માઢક બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતકના પુત્ર સચિનભાઈ બનાવના સ્થળે દોડી આવ્યા હતા, અને તેઓએ પોતાના માતાના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. જેઓ માનસિક રીતે અસ્થિર હોવાનું અને તેઓની દવા ચાલતી હોવાનું પણ પુત્ર એ જણાવ્યું હતું.