મેટોડા જીઆઈડીસીમાં 20 વર્ષના કોલેજિયન યુવકે પરીક્ષામાં નાપાસ થવાની બીકે ફાંસો ખાઈ લીધો
(આઝાદ સંદેશ), રાજકોટ : મોરબી રોડ પરના ગૌરીદડ ગામે રહેતા ઉદય પ્રવિણભાઈ અજાણી (ઉ.વ.21)એ ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક ભીંસના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કુવાડવા રોડ પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઉદય ઇમીટેશનની મજૂરી કરતો હતો. બે ભાઈમાં નાનો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતો હતો. જેને કારણે તેણે પોતાના રૂમમાં પંખા સાથે લૂંગી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
ગઈકાલે સવારે પિતાએ દરવાજો ખોલીને જોતાં ઉદય લટકતો મળી આવતા આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતા. તત્કાળ 108ને જાણ કરી હતી. જેના તબીબે આવી મૃત જાહેર કર્યો હતો. ત્યાર પછી જાણ થતાં કુવાડવા રોડ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર જરૂરી કાર્યવાહી કર્યા બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.
જ્યારે કે મેટોડા જીઆઈડીસીમાં રહેતા અને ગાર્ડી કોલેજમાં હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 20 વર્ષનાં વિદ્યાર્થીએ નાપાસ થવાના ડરથી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા અરેરાટી વ્યાપી છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરના કારણે યુવાને આપઘાતનું અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત વ્યાપ્યો છે. યુવાનના મૃત્યુથી માતા-પિતાએ યુવાન પુત્ર ગુમાવ્યો છે તો અન્ય પુત્રે પોતાનો ભાઈ ગુમાવ્યો છે.
મેટોડા જીઆઈડીસીમાં રહેતા 20 વર્ષીય યુવકે બપોરે 12:00 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી, તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ, આ યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતુ. હોમિયોપેથીમાં ભણતા આ વિદ્યાર્થીની તાજેતરમાં જ પરીક્ષા પૂર્ણ થઈ હતી અને પેપરો નબળા જતા નાપાસ થવાના ડરથી આપઘાતનું અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીને એક ભાઈ છે અને માતા પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. પરિવાર મૂળ જૂનાગઢનો છે. આ યુવાન ગાર્ડી કોલેજમા અભ્યાસ કરી રહ્યો હતો.