બન્ને દરોડામાં દારૂ અને કાર મળી કુલ રૂ.9.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ દારૂની હેરાફેરી અટકાવવા સૂચના આપી હોય જેને ધ્યાને લઇ યુનિવર્સિટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બે દરોડામાં ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતાં. જેમાં ભગતસિંહજી ગાર્ડન પાસે દરોડો પાડી બે શખ્સને રૂા. 84 હજારના દારૂ સાથે પકડી લેવાયા હતાં અને કાર કબ્જે લેવાઇ હતી. જ્યારે અયોધ્યા ચોક નજીક યાગરાજનગરમાંથી એક શખ્સને 1,89,192ના દારૂ સાથે પકડી લેવાયો હતો. મળતી માહિતી મુજબ યુનિવર્સિટી પોલીસ મથકની સર્વેલન્સ સ્ક્વોડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય ત્યારે હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, વિરદેવસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે અયોધ્યા ચોક નજીક યાગરાજનગર પ્રજાપતિ ચોક પાસે અવાવરૂ જગ્યામાં દારૂ છુપાવેલો છે અને એક શખ્સ લેવા આવ્યો છે. આ માહિતી પરથી દરોડો પાડતાં એક શખ્સ દારૂના જથ્થા પાસે આવતાં જ પકડી લેવાયો હતો. પુછતાછમાં પોતાનું નામ વિનય ઉર્ફ ભુરો રાજેશભાઇ ઉકેડીયા (રહે. મનહરપુર-1) જણાવ્યું હતું. પોલીસે અહિથી રૂા. 47208નો 84 બોટલ મેકડોવેલ્સ બ્રાન્ડનો દારૂ અને 1,41,984નો 204 બોટલ રોયલ ચેલેન્જ બ્રાન્ડનો દારૂ મળી કુલ રૂા. 1,89,192નો 288 બોટલ દારૂ કબ્જે કર્યો હતો.
જ્યારે બીજા દરોડામાં હેડકોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ભગતસિંહજી ગાર્ડન નજીક પટમાં કારમાંથી દારૂનું કટીંગ થવાનું છે. બાતમી પરથી ટીમ ત્રાટકતાં નંબર વગરની નેક્સા કાર સાથે બે શખ્સ ઝડપાઇ ગયા હતાં. કારમાં રૂા. 84 હજારનો 168 બોટલ દારૂ હોઇ કબ્જે કરી બે શખ્સો અંકિત ઉર્ફ જોગી રાજેશભાઇ જોગી (રહે. ભગતવીપરા વિનાયક એપાર્ટમેન્ટ ઇ-વીંગ બ્લોક 304 રાજલક્ષ્મી પાસે) તથા ધર્માંગ ઉર્ફ પ્રિન્સ પરેશભાઇ સોલંકી (રહે. ભગવતીપરા વિનાયક એપાર્ટમેન્ટ સી-વીંગ બ્લોક 203)ને પકડી લઇ દારૂ, કાર, મોબાઇલ મળી રૂા. 7,94,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.