સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો ભોગ બન્યા હોવાનું અનુમાન : તાલુકા પીઆઈ હરિપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ભરવાડની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
(આઝાદ સંદેશ), રાજકોટ : શહેરના ગોંડલ રોડ પર બરકતીનગરમાં રહેતાં અને કપડા ધોવાના સાબુની એજન્સી ચલાવતાં વેપારી યુવાન સાથે તેના જ સમાજના એક યુવાન સહિતની ટોળકીએ તેર લાખની ઠગાઇ કરી છે. ભરૂચનો શખ્સ સહિતના મળી ઓબરા બ્લોક બંપની ખોલી તેનો ટીબીએસી નામનો કોઇન લોન્ચ કરશે અને લિસ્ટીંગ પહેલા રોકાણ કરવાથી રોજના ચાર હજાર અને ચારસો દિવસમાં ત્રણ ગણા રૂપિયા મળશે તેવી લાલચ આપી આઇડી ખોલી તેમાં વોલેટમાં કોઇન બતાવી દીધા હતાં. પરંતુ વેપારી કોઇન વેંચી ન શકતાં અને વિડ્રો પણ ન થતાં ઠગાઇ થયાની ખબર પડી હતી. આ ટોળકીએ સોૈરાષ્ટ્રના જ બીજા 14 જેટલા લોકો સાથે આશરે પોણા કરોડની ઠગાઇ કર્યાની વિગતો ખુલી છે.
મળતી માહિતી મુજબ ગોંડલ રોડ પર બરકતીનગર સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટ સામે રહેતાં મોહસીનભાઇ રસીદભાઇ મુલતાની (ઉ.વ.42)એ ભરૂચના અંકલેશ્ર્વરના ફિરોઝ દિલાવરભાઇ મુલતાની, અઝરૂદ્દીન સતારભાઇ મુલતાની અને નિતીન જગત્યાની, અમિત મનુભાઇ મુલતાની તથા મક્સુદ સૈયદ વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ જણાવ્યું છે કે,તેઓ પરીન ફર્નિચર પાછળ ઓનેસ્ટ સેલ્સ એજન્સી નામે કપડા ધોવાના સાબુની એજન્સી ચલાવી વેપાર કરે છે. તેણે જણાવ્યું હતું કે હું ત્રણેક વર્ષ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએ અમારા સમાજના અમિત મનુભાઇ મુલતાનીને મળ્યો હતો. ત્યારે ધંધાકીય વાતચીત થતાં તેણે મને કહેલુ કે હમણા ક્રિપ્ટો કરન્સી બહુ ચાલે છે, રિફોઝ મુલતાનીએ એક કોઇન બનાવ્યો છે,જે લિસ્ટીંગ થશે એટલે જબરા રૂપિયા મળશે. આ વાત કરી તેણે કહેલુ કે જો અત્યારે કોઇ આ કોઇનમાં 4 લાખનું રોકાણ કરે તો રોજના 4 હજાર વળતર મળે તેમ છે અને ચારસો દિવસે જેટલા રૂપિયા રોક્યા હોઇ તેની સામે ત્રણ ગણા રૂપિયા મળે છે.આથી મેં તેને આ બાબતે વધુ પુછતાં તેણે કહેલુ કે ક્રિપ્ટો કોઇન અન્વયે લીંબડીમાં આપણા સમાજનું સંમેલન થવાનું છે. જેમાં ફિરોઝ મુલતાની અને તેની ટીમ આવશે અને કોઇન બાબતે સમજાવશે, તું પણ આવજે જેથી વધુ જાણકારી મળશે. આ પછી હું અને અમારા સમાજના ઘણા માણસો લીંબડી ગયા હતાં. ત્યાં ફિરોઝ મુલતાની, નિતીન જગત્યાની, અમિત મુલતાની અને અઝરૂદ્દીન મુલતાની તથા મકસુદ સૈયદ હાજર હતાં. આ બધાએ પોતાનો પરિચય આપ્યો હતો અને સમજાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં અમે બ્લોક ઓરા નામની કંપની બનાવી છે. અમે ટીબીએસી નામનું કોઇન લોન્ચ કરવાના છીએ. તે લિસ્ટીંગ થાય એ પહેલા જ તમે રોકાણ કરશો તો ખુબ મોટો ફાયદો થશે.
આ પછી મેં અને બીજા લોકોએ રોકાણ કર્યુ હતું અને આ રકમ અમિત મુલતાનીને આપી હતી. જેમાં મેં પહેલા આઇડી માટે 4,25,000, બીજી આઇડી માટે 4,25,000 તથા ત્રીજી આઇડી માટે 4,50,000 મળી કુલ 13 લાખનું રોકાણ મેં કરેલુ તે રકમ અમિત મારી એજન્સી ખાતેથી આવીને લઇ ગયો હતો. આ પછી મને ગૂગલ પર વેબસાઇટમાં ત્રણ આઇડી બતાવતી હતી. જેમાં મેં રોકેલી રકમ સામે ટીબીએસી કોઇન ટ્રસ્ટ વોલેટમાં જમા બતાવતા હતાં. પરંતુ એ રકમ વિડ્રો કરવા પ્રયાસ કરતાં થતી ન હોઇ અમિત મુલતાનીને મળીને વાત કરતાં તેણે કહેલુ કે તમે જે રોકાણ કર્યુ છે તેના કરતાં વધુ રૂપિયા મળશે જ. પરંતુ આજ સુધી મને મારા 13 લાખના રોકાણ સામે કંઇ નફો મળ્યો નથી કે મારા 13 લાખ પણ મને પાછા અપાયા નથી.મેં તપાસ કરતાં ખબર પડી હતી કે આ લોકોએ મારી જેમ સૌરાષ્ટ્રના બીજા લોકોને પણ કોઇનમાં રોકાણના નામે છેતરી લીધા છે. ઓરા બ્લોક કંપનીમાં રોકાણ સામે મને જે કોઇન મળ્યા છે તે વેંચી શકાતા નથી કે વિડ્રો પણ થતાં નથી. આ બધાએ ભેગા મળી ખોટુ કોઇન બનાવ્યું હોઇ તેમજ લિસ્ટીંગ પણ કર્યુ ન હોઇ છેતરપીંડી થયાની ખબર પડી હતી.જેથી તમામ સામે ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે પીઆઇ ડી.એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી.આર.ભરવાડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.