મંગળવાર, ફેબ્રુવારી 4, 2025

ઈ-પેપર

મંગળવાર, ફેબ્રુવારી 4, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટખાણીપીણીના ધંધાર્થીઓ સાથે ફૂડ શાખાની મીલીભગત : જન આરોગ્ય ખતરામાં

ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે ફૂડ શાખાની મીલીભગત : જન આરોગ્ય ખતરામાં

દર સપ્તાહમાં બે વાર ચેકિંગ છતાં ખાણીપીણીના ધંધાર્થીઓ સામે કોઇ પગલાં નહીં : હોકર્સ ઝોન સહિત શેરી ગલીઓમાં અડિંગો જમાવનારાને વાસી અને જન આરોગ્ય માટે ખતરારૂપ ખાદ્ય સામગ્રી વેંચવાનો પીળો પરવાનો આપતી ફૂડ શાખા : છ માસમાં માત્ર 40 ધંધાર્થીઓ પાસેથી જ 4641 કિલો વાસી ખાદ્ય સામગ્રી મળી..!

(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટ શહેરના વધતા જતાં વિસ્તાર અને વિકાસની સાથોસાથ શહેરના જાહેરમાર્ગો, હોકર્સ ઝોન, ફૂડમોલ સહિત શેરી ગલીઓમાં અડીંગો જમાવીને લોખોનો વેપાર કરનારા ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે મહાનગરપાલિકાની ફૂડશાખાની જાણે મીલીભગત હોય તેમ અખાદ્ય અને વાસી ખાદ્ય સમાગ્રીનું ખુલ્લેઆમ વેંચાણ થતું હોવાછતાં પણ ઉડીને આંખે વળગે તેવા કોઇ મહત્વના પગલા લેવામાં આવતા ન હોય શહેરીજનોના આરોગ્ય પર કાયમ ખતરો મંડરાયેલો રહે છે. ફૂડ શાખામાં નોંધાયેલા બીઝનેસ ઓપરેટરોની સંખ્યા મુજબ જો ચેકિંગ કરવામાં આવે તો મોટી માત્રામાં અખાદ્ય અને વાસી જથ્થો મળી આવે તેમ હોવાછતાં ફૂડ શાખા માત્ર મિક્સ દૂધ, પાણીપુરી કે પછી સામાન્ય ગણી શકાય તેવી વાનગીઓના નમુના લઇને શંકા પ્રેરે તેવી કામગીરી કરી રહી છે. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા મંગળવાર અને શુક્રવાર એમ સપ્તાહમાં બે વાર અલગ અલગ વિસ્તારોમાં હોકર્સઝોન સહિતના ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવે છે. આ ચેકિંગ દરમિયાન આંગળીના વેઢા પણ વધી પડે તેમ બે પાંચ જગ્યાએથી નમુના લઇને કામગીરી બતાવવવામાં આવે છે. સાથોસાથ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કરીને જેની પાસે ફૂડ લાયઇન્સ ન હોય તેને લાયસન્સ મેળવવા સુચના આપવામાં આવે છે.અને નમુનાની ચકાસણી પણ કરવામાં આવતી હોવાનો દાવો ફૂડ શાખા કરે છે. પણ, ક્યાં ધંધાર્થીને ત્યાંથી કઇ ખાદ્ય વાનગીનું ચેકિંગ કરાયું તે ફૂડ શાખા જાહેર કરતું નહોય આ કામગીરી માત્રને માત્ર કાગળ પર જ થતી હોવાની શંકા ઉપજાવે તેવી છે. સામાન્ય રીતે ફૂડશાખાના અધિકારીઓ ફૂડ બીઝનેસ ઓપરેટરોને ત્યાં ચેકિંગમાં જાય ત્યારે તેની જાણ મુખ્ય અધિકારી સીવાય કોઇને હોતી નથી પણ, જેના તાબા કબજામાં ફૂડ શાખા છે તેવા આરોગ્ય અધિકારી કે ફૂડ શાખાના ડેઝિગ્નેનેટ ઓફિસર ફિલ્ડમાં જવાને બદલે તેના સ્ટાફ પાસે જ આ કામગીરી કરાવતા હોવાના કારણે પણ શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓનું યોગ્ય રીતે ચેકિંગ થતું નથી.
બીજી તરફ તંત્ર એવો દાવો કરી રહ્યું રહ્યું છે કે, ફૂડશાખા પાસે પુરતો સ્ટાફ નથી. શહેરના 18 વોર્ડની વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ જેટલાં ફૂડ ઇન્સ્પેક્ટરો હોવા જોઇએ તેટલા પ્રમાણમાં નથી. આ કારણે શહેરના તમામ વિસ્તારોમાં એક સાથે ચેકિંગ કરવું પણ શક્ય નથી. એટલું જ નહીં પણ, ઝોન વાઇઝ ફૂડ ઇન્સ્પેક્ટરોની સમયાંતરે બદલી પણ થતી નથી આ કારણે જે તે ઝોનના ફૂડ ઇન્સ્પેક્ટરો અને સુપરવાઈઝરો સાથે વેપારીઓને ‘કાયમી સંબંધ’ બંધાઇ ગયો હોય તેઓને ચેકિંગમાં વેપારીઓ સાથે આવા કાયમી સંબંધો નડે છે. ફૂડ શાખાના ટાઇમટેબલ મુજબ જે તે ઝોન કે વિસ્તારમાં ચેકિંગ થવાનુ હોય એ પહેલા વેપારીઓને જાણ કરી દેવામાં આવતી હોય અખાદ્ય જથ્થો મોટા પ્રમાણમાં મળતો નથી.

નવી ફૂડ લેબોરેટરી બનાવાશે પણ, નબળી કામગીરીનું શું ?
કમિશનર તુષાર સુમેરાએ વર્ષ 2025-26ના બજેટમાં રાજકોટમાં નવી ફૂડ લેબોરેટરી બનાવવાની જાહેરાત કરી છે. ફૂડ શાખા દ્વારા હાલમાં જે નમુના લેવામાં આવે છે તેનો રિપોર્ટ આવતા વાર લાગતી હોય મહાનગરપાલિકા દ્વારા ફૂડ લેબોરેટરી બનાવવામાં આવશે. પણ, ફૂડ શાખા પાસે અપુરતો સ્ટાફ અને ખાણીપીણીના ધંધાર્થીઓ સાથે મિલીભગતને કારણે આ ફૂડ લેબોરેટરી પણ ભ્રષ્ટાચારનો વધુ એક દરવાજો ન બને તે જોવાનું રહે છે.

ફૂડ શાખાને છ માસમાં 40 જગ્યાએથી જ અખાદ્ય જથ્થો મળ્યો !
ફૂડ શાખા દ્વારા સપ્તાહમાં બે વખત કરાતા ચેકિંગમાં અખાદ્ય જથ્થો ઝડપીને નાશ કરવામાં આવતો હોવાનો દાવો થાય થાય છે. અને જ્યાં શંકાસ્પદ જથ્થો જણાય તેવા જથ્થાના નમુના લઇને લેબોરેટરી ટેસ્ટમાં મોકલવામાં આવે છે. ફૂડ શાખાએ છેલ્લા છ માસમાં 2773 જગ્યાએ ચેકિંગ ર્ક્યું હતું. અને તેમાંથી માત્ર 40 જગ્યાએથી જ માત્રને માત્ર 4641 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો છે. આ આંકડા કમિશનર દ્વારા જનરલ બોર્ડમાં પુછાયેલા પ્રશ્ર્નના જવાબમાં જાહેર કરાયા છે. આ આંકડા મુજબ પણ ફૂડ શાખાની કામગીરી કેટલી નબળી છે એ પુરવાર કરે છે.

લાયસન્સ વગરના ધંધાર્થીઓ પાસેથી વહિવટી ચાર્જ કેમ લેવાતો નથી ?
ફૂડ શાખા દ્વારા દર સપ્તાહે ચેકિંગ દરમિયાન લાયસન્સ વગરના ધંધાર્થીઓને લાયસન્સ મેળવવા માટે માત્ર સુચના આપવામાં આવે છે. પણ, પછી આવા ધંધાર્થીઓને ત્યાં બીજીવાર ચેકિંગ થાય ત્યારે પણ જો લાયસન્સ વગર ધંધો કરતા હોવાનું જણાય તો પણ કઇ પગલા લેવાતા નથી. આથી નાના ધંધાર્થીઓને લાયસન્સ વગર અખાદ્ય વાનગીઓ વેંચવાનો છૂટો દોર મળી જાય છે. મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જે રીતે વહિવટી ચાર્જ વસુલે તેવી રીતે ફૂડ શાખા લાયસન્સ વગરના ધંધાર્થીઓ પાસેથી વહિવટી ચાર્જ કેમ વસુલતી નથી ? તેવો પ્રશ્ર્ન સામાન્યરીતે ઉઠે તેમ છે. જો કે આવો ચાર્જ વસુલવામાં કાયદાનું નડતર પણ કારણભૂત છે.

હોટલ, રેસ્ટોરન્ટો, ધાર્મિક સ્થળો અને શોપિંગ મોલના ફૂડ ઓપરેટરોનું ચેકિંગ બંધ
ફૂડ શાખા દ્વારા જાહેર માર્ગો પર ખાણીપીણીના ધંધાર્થીઓનું જ ચેકિંગ કરવામાં આવે છે પણ, ક્યારેય મોટી હોટલ રેસ્ટોરન્ટ, પીઝા પાર્લરો, ધાર્મિક સ્થળોના ફૂડ પાર્લર કે પછી શોપિંગ મોલમાં આવેલા ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવતું નથીે.લાંબા સમય પહેલા હોટલ રેસ્ટોરન્ટોના કિચેન નાગરિકો જોઇ શકે તે રીતે ખુલ્લા રાખવાનો નિયમ સરકારે જાહેર ર્ક્યો હતો. શહેરના અનેક હોટલ રેસ્ટોરન્ટોમાં આ નિયમનું પાલન કરવામાં આવતું નથી. આ વાત ફૂડ શાખા સારીરીતે જાણે છે છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર