નળીયા કાઢીને ઘરમાં ઘૂસેલા યુવકે વૃદ્ધા પાસે પૈસાની માંગણી કરી અને પછી બળજબરીથી દુષ્કર્મ આચરી ભાગી છૂટ્યો : વૃદ્ધાની તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ
(આઝાદ સંદેશ) અમદાવાદ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ફાયરિંગ, મારામારી, જૂથ અથડામણ, છેડતી, ચોરી, લૂંટફાટ, હત્યાની સાથે-સાથે દુષ્કર્મના બનાવોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં માનવતાને શર્મશાર કરે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ભોંયકા ગામે 77 વર્ષીય વૃદ્ધ મહિલા પર અજાણ્યા ઈસમે દુષ્કર્મ ગુજારતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, દુષ્કર્મનો ભોગ બનેલી 77 વર્ષીય વૃદ્ધ મહિલા જામનગરમાં રહેતી પોતાની પુત્રીને ત્યાં રહેતી હતી. જો કે આજથી 10 દિવસ અગાઉ જ તે સુરેન્દ્રનગરના ભોંયકા ગામ સ્થિત પોતાના વતને પરત ફરી હતી. જ્યાં બળાત્કારી યુવક પહેલા નળીયા તોડીને વૃદ્ધાના ઘરમાં ઘૂસી ગયો હતો અને પૈસાની માંગણી કરી હતી. જે બાદ વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવીને તેના પર દુષ્કર્મ ગુજારીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ વૃદ્ધાની તબીયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતનો કાફલો દોડતો થઈ ગયો છે. હાલ તો આ ઘટનાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જ્યારે દુષ્કર્મ પીડિતાની જામનગર રહેતી પુત્રી પણ પોતાના પરિવાર સાથે સુરેન્દ્રનગર સિવિલ દોડી આવ્યા હતા.. જ્યાં તેણે ન્યાયની માંગણી કરી છે.