(આઝાદ સંદેશ), રાજકોટ : અમદાવાદ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતો પરિણીત પુરૂષ અને અપરિણીત યુવતી ગત તા. 1-2 ના રોજ ગુમ થયા હતા. આ બન્નેની લાશ લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી મોડી રાત્રે મળી આવી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક સંજય ભીખાભાઈ ભરવાડ પરણીત છે. તેઓને સંતાનમાં 4 દિકરીઓ અને 1 દિકરો છે. તેમના વિસ્તારમાં રહેતી મુળ રાજસ્થાનની અપરિણીત યુવતી ખોરવાલદેવી સીતારામ સાથે તેઓને આંખ મળી ગઈ હતી. બન્ને ગત તા. 1-રના રોજ ઘરેથી ગુમ થયા હતા. આ અંગેની પોલીસને જાણ થતા તપાસ દરમિયાન વિરમગામના સોકલી કેનાલ પાસે સંજયની ઓટો રિક્ષા, કપડા, મોબાઈલ અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા. આથી બન્નેએ કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનુ માની તપાસ કરાઈ હતી.
જેમાં સોમવારે રાત્રે લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે બન્નેની લાશ એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા લખતર પીઆઈ વાય.પી.પટેલની સુચનાથી સ્ટાફના રાજુભાઈ કુશાપરા, હીતેશભાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરની ટીમની મદદથી લાશને બહાર કઢાઈ હતી. આ અંગે પરીવારજનોને જાણ થતા તેઓ પણ ઢાંકી પહોંચ્યા હતા. અને લાશને ઓળખી બતાવી હતી. મૃતકોની લાશનું સરકારી દવાખાને પીએમ કરી પરિજનોને સોંપવામાં આવી હતી.
બંને મૃતકો વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત જાણવા મળી રહી હતી. લખતર પંથકમાંથી નર્મદા કેનાલનો મોટો હિસ્સો પસાર થાય છે. પંથકમાં આવેલ નર્મદા કેનાલમાંથી અવાર-નવાર મૃતદેહો મળી આવે છે. મૃત પ્રાણીઓ તરતા મળી આવે છે. ત્યારે આ સિલસિલો હજુ ચાલુ જ છે.