બુધવાર, ફેબ્રુવારી 5, 2025

ઈ-પેપર

બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં કારખાનેદારને ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ રૂ.5.35 લાખ પડાવી લીધા

રાજકોટમાં કારખાનેદારને ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓએ રૂ.5.35 લાખ પડાવી લીધા

સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર રહેતા અને કાસ્ટિંગની ભઠ્ઠી ચલાવતા પ્રવિણભાઈ ઉંધાડ (ઉ.વ.47)ને ઈડીના નામે વોટ્સએપ કોલ કરી 7 કલાક ડિજિટલ અરેસ્ટ રાખેલ, ફોટાવાળું વોરન્ટ પણ મોકલ્યું’તું : સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં કારખાનેદારને ડિજિટલ અરેસ્ટ કરી તેની પાસેથી ગઠિયાઓએ રૂ.5.35 લાખ પડાવી લીધા હોવાનું ખુલ્યું છે. અજાણ્યા શખ્સોએ ઈડીના નામે વોટ્સએપ કોલ કરી 7 કલાક ડિજિટલ અરેસ્ટ રાખેલ હતા. સાથે ફોટા વાળું વોરન્ટ પણ મોકલ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ ઉપર આવેલ સત્યસાઈ હોસ્પિટલ માર્ગ પર પ્રધુમન પાર્ક શેરી નં.4માં રહેતા અને કાસ્ટિંગની ભઠ્ઠી ચલાવતા પ્રવિણભાઈ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ-47)એ શહેર સાયબર ક્રાઇમ પોલીસમાં પોતે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પ્રવિણભાઈએ જણાવ્યું કે, ગઇ તા.29/1/25 ના રોજ હું મારા કારખાના ઉપર હાજર હતો. જે કારખાનું જી.આઈ.ડીસીમાં આવેલ છે. તે દરમ્યાન સવારે 9:54 વાગ્યે મારા ફોનમાં વોટસએપ કોલ આવેલ હતો જેમા સામેના માણસે તેની ઓળખાણ અરેસ્િંટગ ઓફિસર નીરજ કુમાર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોરર્સમેન્ટ (ઈડી) મુંબઈ તરીકે ઓળખાણ આપી હતી.
આ વ્યક્તિએ મને જણાવેલ કે તમારા નામે ઇસ્યુ થયેલ સિમકાર્ડ વાપરનાર વ્યક્તિએ તમારા નામે કેનેરા બેંકમાં ખાતું ખોલાવી ગેરકાયદે નાણાકિય વહિવટો કરેલા છે. જેને અમે પકડેલો છે. અને હાલમાં અમારી કસ્ટડીમાં છે. જેથી તમારા બેંકના ખાતાની ચકાસણી કરવાની છે. તેમ વાત કરી એક અજાણ્યા વ્યક્તિનો ફોટો મોકલ્યો હતો. જે મેં જોયો અને હું સામેના વ્યક્તિને ઓળખતો નથી અને મેં આવુ કોઈ મારા નામનું સિમ કાર્ડ કઢાવેલ ન હોઈ તેમજ હું કોઇ ઓનલાઈન નાણાકિય વ્યવહાર કરતો નથી તેમ જણાવેલ હતું. સામેની વ્યક્તિએ મને કાયદાકિય બાબતે ડરાવેલ અને મારા વોટસએપમાં મારા નામનું મારા ફોટા સાથેનું ડીજીટલ અરેસ્ટ વોરંટ મોકલી તમને અરેસ્ટ કરવામાં આવેલ છે. તેમ જણાવી જે વોરંટ મેં જોતા તેમા સહી સિકકા કરેલ હતા. અને આ સામેની વ્યક્તિએ મને કાયદાકિય રીતે ડરાવેલ હોય. જેથી હું ખુબ જ ગભરાઈ ગયેલ હતો. તેમના કહેવા મુજબ હુ કરવા લાગેલ હતો.
વધુમાં પ્રવિણભાઈએ જણાવ્યું કે, આ વ્યક્તિએ આરટીજીએસથી મારા ખાતામાં રહેલ બધા પૈસા વેરિફિકેસન કરવા માટે તેમના ખાતામાં નાખવા જણાવેલ. તેમના બેંક એકાઉન્ટ નં લખાવેલ. જેના એકાઉન્ટ ધારક કૌશ્તી અજયકુમાર હતા. ઓઢવ બ્રાંચ અમદાવાદનું બેંક એકાઉન્ટ હતું. એકાઉન્ટમાં રૂ.5,35,000નુ આરટીજીએસ કરવા જાણાવેલ હતું. ફોન ચાલુ રાખવા અને બીજા કોઇને વાત ન કરવા ધમકી આપેલ હતી. જેથી હું મારા કારખાનેથી નિકળી મારા ઘરે જઈ, ચેકબુક લીધી હતી. સામે વાળી વ્યક્તિએ ડરાવેલ હોઈ જેથી મે ઘરના કોઈપણ સભ્ય સાથે વાત કરેલ નહી અને મારા ઘર નજીક આવેલ રાજનગર ચોકમાં એસબીઆઈ બેંકમાં જઈ સામે વાળી વ્યક્તીના કહેવા મુજબ ચાલુ ફોને મારા બેંક એકાઉન્ટમાંથી 5,35,000નું આરટીજીએસ કરેલ હતી. ફોન ચાલુ રહેવા દેવાનું જણાવી ઘરે જઈને એક રૂમમાં એકલા બેસી રહેવા અને કોઈની પણ સાથે વાત ન કરવા ધમકાવેલ હતા. મેં તે મુજબ જ કરેલ તે પછી અડધો કલાક પછી આ વ્યક્તિએ તથા અન્ય એક મહિલા એ મારી સાથે વાત કરેલ. મને જણાવેલ કે તમારા બેંન્ક એકાઉન્ટનું વેરીફિકેશન થઈ ગયેલ છે. અમારી
કસ્ટડીમાં રહેલ વ્યક્તિ સાથે તમારે કોઈ પણ પ્રકારની લેતી-દેતી નથી. જેથી તમને અમે ડિજિટલ અરેસ્ટમાંથી મુક્ત કરીએ છીએ. અડધો કલાકમાં તમારી રકમ તમારા એકાઉન્ટમાં પાછી આવી જશે.
ત્યારબાદ પોણાચારેક વાગ્યે મારો મિત્ર સંજયભાઈ નારણભાઈ કોરાટ મારા ઘરે આવતા મેં આ બધી વાત કરતા તેમણે મને મારી સાથે છેતરપીંડી થયેલ એવુ જણાવેલ. જેથી મે આ સામેવાળી વ્યક્તિના મોબાઈલમાં ફોન કરેલ પણ ફોન બંધ આવેલ. જેથી અમે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જઈ ઓનલાઈન 1930માં ફરીયાદ કરેલી. જે પછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ટીમે ફરિયાદીની ફરિયાદ પરથી બી.એન.એસ કલમ319(2), 308(2), 336(2)(3). 351(2), 340(2), 204, 127 તથા આઈ.ટી એક્ટ કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી પીઆઇ આર. જી. પઢિયારે વધુ તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર