બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધા અને કુરિવાજની આડમાં બર્બરતા : પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ, યુવકને...

સુરેન્દ્રનગરમાં અંધશ્રદ્ધા અને કુરિવાજની આડમાં બર્બરતા : પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ, યુવકને ઢોર માર મારી પેશાબ પીવડાવ્યો

દુધરેજમાં ‘શુદ્ધિકરણ’ના નામે માનવતા નેવે મુકાઈ; વાઇરલ વીડિયોના આધારે પોલીસે પતિ સહિત ૯ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

રાજકોટ : ​સુરેન્દ્રનગરના દુધરેજ સ્થિત વહાણવટી નગરમાં માનવતાને શરમાવે તેવી અત્યંત આઘાતજનક અને ભયાનક ઘટના સામે આવી છે. પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પરત લાવી ‘શુદ્ધિકરણ’ના બહાને ઘરમાં ગોંધી રાખી તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જ્યારે યુવકને ઝાડ સાથે બાંધી ક્રૂર માર મારી પેશાબ પીવડાવ્યો હતો. આ ચકચારી કિસ્સામાં પોલીસે પતિ સહિત ૯ આરોપીઓની ધરપકડ કરી છે.

​ઘટનાની વિગત મુજબ, દુધરેજના વહાણવટી નગરમાં રહેતી એક પરિણીત મહિલા પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. આ બાબતથી કોપાયમાન થયેલા પરિવારજનો અને પતિએ સઘન શોધખોળ હાથ ધરીને બંનેને શોધી કાઢ્યા હતા અને પરત દુધરેજ લઈ આવ્યા હતા. બંનેને પરત લાવ્યા બાદ સમાજમાં દાખલો બેસાડવાના અને અંધશ્રદ્ધાના નામે તેમના પર અમાનુષી અત્યાચારનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો.

​પરિણીતાને ઘરમાં પૂરી રાખીને સમાજમાં ‘શુદ્ધિકરણ’ કરવાના કુરિવાજ અને અંધવિશ્વાસી બહાના હેઠળ ગોંધી રાખવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેના પર અમાનુષી યાતનાઓ ગુજારવામાં આવી હતી અને તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના પણ અત્યંત ગંભીર આક્ષેપો સામે આવ્યા છે, જેનાથી સમગ્ર રાજ્યમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

​મહિલાની સાથે પરત લાવવામાં આવેલા યુવક પ્રત્યે પણ આરોપીઓએ ક્રૂરતાની તમામ સરહદો વટાવી દીધી હતી. યુવકને દોરડા વડે ઝાડ અને ખાટલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો અને બેરહેમીથી ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, માનસિક અને શારીરિક યાતના આપવાના ભાગરૂપે તેને અમાનુષી રીતે પેશાબ પીવડાવવામાં આવ્યો હોવાની શરમજનક વિગતો પણ પ્રકાશમાં આવી છે.

​આશચર્યની વાત એ છે કે આરોપીઓએ આ બર્બર કૃત્યનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. આ ભયાનક વીડિયો વાઇરલ થતાં જ મહિલા એ.એસ.પી.ના ધ્યાન પર આવ્યો હતો. વીડિયો જોઈને ચોંકી ઊઠેલા પોલીસ અધિકારીઓએ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા હતા, જેના આધારે ગુનો નોંધીને પોલીસે ત્વરિત તપાસ ધમધમાવી હતી.

​પોલીસે આ ગંભીર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અને પતિ રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા સરવૈયા, ગીતાબેન સરવૈયા અને લીલાબેન સરવૈયા સહિત ૨ મહિલાઓ અને ૭ પુરુષો મળીને કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ કર્યું છે કે શુદ્ધિકરણ કે કુરિવાજોની આડમાં આચરવામાં આવતા આવા ગુનાઓમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર