કુવાડવા ગામની અનીતા ભુરીયા (ઉ.29), જુના યાર્ડ પાસે મંછાનગરના કમાભાઇ ગોહેલ (ઉ.52), જામજોધપુરના સીદસરથી દીકરાના ઘરે આવેલા જમનાદાસ પટેલ (ઉ.58), ખોખડદળ ગામના કેશુભાઇ ગજેરા (ઉ.54) તેમજ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા મહેન્દ્રભાઇ ગણાત્રા (ઉ.87) અને પ્રભાબેન રાઠોડ (ઉ.85)એ બેભાન હાલતમાં દમ તોડયો
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે પરિણીતા, આધેડ અને બે પ્રૌઢ અને બે વૃદ્ધ સહીત 6 વ્યક્તિઓના હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યાનું સામે આવ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા ગામે રહેતી અનીતાબેન સુરેશભાઈ ભુરીયા નામની 29 વર્ષની પરિણીતા ગઈકાલે સવારના છએક વાગ્યાના આસામમાં પોતાના ઘરે હતી. ત્યારે હૃદયરોગનો હુમલો આવતા તેણીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે કુવાડવા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
બીજા બનાવમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા મંછાનગરમાં રહેતા કમાભાઈ કરશનભાઈ ગોહેલ નામના પ2 વર્ષના આધેડ રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાને ઘરે હતા. ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતા. આધેડને તાત્કાલિક સા2વા2 માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સાત ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. કમાભાઈ ગોહેલ પ્રદ્યુમનપાર્કમાં સિક્યુરિટી ગાર્ડતરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા
મળ્યું છે.
ત્રીજા બનાવમાં જામજોધપુર તાલુકાના સીદસર ગામે પટેલ સમાજની વાડી પાસે રહેતા જમનાદાસ જીવણભાઇ પટેલ (ઉ.58) રાજકોટ ખાતે સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.3માં આવેલ પોતાના દીકરા અંકિતના યુવી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં હોય ત્યારે બેભાન થઇ જતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ હાર્ટએેટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું. મૃતક જમનાદાસ પટેલ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતા. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. તેઓ ત્રણેક દિવસથી જીવરાજ પાર્કમાં આવેલ વ્રજ હાઇટસ ખાતે દીકરાના ઘરે આંટો મારવા આવ્યા હતા.
ચોથા બનાવમાં રાજકોટની ભાગોળે ખોખડદળ ગામે હેતા કેશુભાઇ લવજીભાઇ ગજેરા (ઉ.54) સવારે રમેશભાઇ રંગાણીની વાડીએ હોય ત્યારે કોઇ કારણસર બેભાન થઇ જતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. મૃતક કેશુભાઇ દસેક વર્ષથી રમેશભાઇ રંગાણીની વાડી વાવવા માટે રાખતા હતા. તેઓ વાડીએ હોય ત્યારે બેભાન થઇ જતા સારવારમાં ખસેડાતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક કેશુભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા નંબરના હતા. તેમને સંતાનમાં બે દીકરા છે.
પાંચમાં અને છઠ્ઠા બનાવમાં રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલ સદભાવના વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રભાબેન ગોવિંદભાઈ રાઠોડ નામના 85 વર્ષના વૃદ્ધા અને મહેન્દ્રભાઈ ગોવર્ધનભાઈ ગણાત્રા નામના 87 વર્ષના વૃદ્ધને હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.