ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા લગાવવામાં આવેલ આરોપ બાદ વિરાટ કોહલીએ મૌન તોડ્યું
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વૃંદાવન સ્થિત પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લેવા માટે તેમને 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હોવાના દાવાને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ફલાહારી મહારાજ દિનેશ શર્મા દ્વારા કરવામાં આવેલા આ સનસનીખેજ આક્ષેપોને કોહલીની ટીમે સંપૂર્ણપણે જૂઠા, પાયાવિહોણા અને તથ્યહીન ગણાવી મૌન તોડી તમામ આક્ષેપોને ફગાવ્યા હતા.
વિરાટ કોહલીના પ્રવક્તાએ એક સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી છે કે ક્રિકેટરનો આધ્યાત્મિક ગુરુ સાથેનો સંબંધ કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ પર નહીં, પરંતુ તેમની અંગત આસ્થા અને અતૂટ શ્રદ્ધા પર આધારિત છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે ફલાહારી મહારાજ દિનેશ શર્માએ વિરાટ કોહલી વિશે જે પણ દાવા કર્યા છે તે તદ્દન ખોટા અને તથ્યથી વેગળા છે. વિરાટ કોહલી માત્ર પોતાની ઊંડી શ્રદ્ધાને કારણે જ પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં જાય છે.
કોહલીના પ્રવક્તાએ મીડિયા સંસ્થાઓ અને પત્રકારોને પણ આગ્રહ કર્યો છે કે તેઓ આવા સનસનીખેજ દાવાઓ પ્રકાશિત કે ફોરવર્ડ કરતા પહેલા સાવચેતી રાખે અને તથ્યોની યોગ્ય ચકાસણી કરે. જવાબદારીપૂર્વક રિપોર્ટિંગ કરવાની અપીલ સાથે આ દાવાઓનું ઉગ્ર ખંડન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા અવારનવાર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં દર્શન કરવા અને સત્સંગનો લાભ લેવા જતા રહે છે.


