મતદારયાદીમાંથી મતદારોના નામ હટાવવામાં જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો નિર્ણયો રદ કરીશું : સુપ્રીમકોર્ટ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે ચૂંટણી પંચની કામગીરી અને નિર્ણયોની પ્રક્રિયા અંગે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અથવા તેમની કામગીરી પર તાત્કાલિક ધોરણે વચગાળાનો રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે આ ગંભીર મામલે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેંચ સમક્ષ રાકેશ કુમાર સિંહ અને એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે, દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એસઆઇઆર સહિતની કામગીરીમાં અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ લીધા વિના એકતરફી નિર્ણયો લીધા હતા, જે પંચની સામૂહિક નિર્ણય પ્રક્રિયાના નિયમોનું સીધું ઉલ્લંઘન છે. અરજદારોએ માંગ કરી છે કે જ્યાં સુધી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જ્ઞાનેશકુમારને કામ કરતા રોકવામાં આવે અને અન્ય બે કમિશનરોની સર્વસંમતિથી જ પંચનું કામકાજ ચલાવવામાં આવે તેમજ સીઇસી સામે ફોજદારી કાર્યવાહીની પણ માંગ કરાઈ છે.
અરજીમાં મતદાર યાદીની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ અંગેના નિર્ણયો પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, છેલ્લા 10 મહિનામાં અન્ય બે કમિશનરોએ 14 વખત કેટલાક નિર્ણયો પર પોતાનો વાંધો નોંધાવ્યો હતો. વધુમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવા મતદારની નોંધણી માટેના ફોર્મ-6 માં કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ સોફ્ટવેર દ્વારા પૂર્વજોની વિગતો માંગવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ ચૂંટણી પંચના સત્તાવાર જવાબ અને સંબંધિત રેકોર્ડના આધારે જ આરોપોની ઝીણવટભરી તપાસ કરશે. પીઠે કડક શબ્દોમાં કહ્યું કે, જો તપાસમાં એવું સાબિત થશે કે જરૂરી સર્વસંમતિ વિના નિર્ણયો લેવામાં આવ્યા છે, તો કોર્ટ તે તમામ નિર્ણયો પાછા ખેંચવા અથવા રદ કરવા પર વિચાર કરશે.


