બુધવાર, ઓક્ટોબર 7, 2026

ઈ-પેપર

બુધવાર, ઓક્ટોબર 7, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છઅમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન

અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરજી ઠુમ્મરનું નિધન

લાંબા સમયની બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા : વરિષ્ઠ નેતાના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી

(આઝાદ સંદેશ) અમરેલી : અમરેલી લોકસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા વીરજીભાઈ  ઠુમ્મરનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત ધરાવતા હતા અને પોતાના ગામમાં જ રહીને સારવાર મેળવી રહ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચારથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે ૫ વાગ્યે અમરેલી ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી જેમાં અમરેલી તેમજ સૌરાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા.

અમરેલી જિલ્લામાં અભુતપુર્વ લોકચાહના ધરાવતા વીરજી ઠુમ્મર જમીન સાથે જોડાયેલા એક લોકનેતા હતા. તેમણે માત્ર રાજકીય ક્ષેત્રે જ નહીં, પરંતુ વિવિધ સહકારી સંસ્થાઓના માધ્યમથી પણ લોકોની લાંબા સમય સુધી સેવા કરી હતી. કોંગ્રેસ પક્ષના સંગઠનમાં અને ખાસ કરીને સ્થાનિક રાજકારણમાં તેઓ વર્ષો સુધી અત્યંત સક્રિય રહ્યા હતા. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેની તેમની આક્રમક અને નિડર રાજકીય શૈલીને કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં તેમની એક આગવી અને અલગ ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.વીરજીભાઈની રાજકીય કારકિર્દી અત્યંત સફળ અને તેજસ્વી રહી છે. તેઓ પોતાની કારકિર્દી દરમિયાન ત્રણ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વીરજીભાઈ ઠુંમરની રાજકીય સફરની શરૂઆત વર્ષ ૧૯૯૦માં થઈ હતી, જ્યારે તેઓ બાબરા વિધાનસભા બેઠક પરથી જનતા દળના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૯૫માં તેઓ ફરીથી બાબરા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. સ્થાનિક રાજકારણમાં મજબૂત વર્ચસ્વ ઊભું કર્યા બાદ, વર્ષ ૨૦૦૪માં તેઓ અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા હતા. છેલ્લે વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે લાઠી-બાબરા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ભવ્ય વિજય મેળવીને ધારાસભ્ય પદ શોભાવ્યું હતું. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં અને કોંગ્રેસ પક્ષને ક્યારેય ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે. 

સંબંધિત સમાચાર

તાજા સમાચાર