રવિવાર, જુલાઇ 6, 2025

ઈ-પેપર

રવિવાર, જુલાઇ 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છશિક્ષિકા બહેનો સાથે શિક્ષકની ઠગાઈ : ઉછીના આપેલા એક કરોડ પરત ન...

શિક્ષિકા બહેનો સાથે શિક્ષકની ઠગાઈ : ઉછીના આપેલા એક કરોડ પરત ન આપ્યા, માથે જતા મકાન પણ પડાવી લીધું

ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં રહેતા અને અમરેલીના કુકાવાવની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર નિર્મળાબેન ગોળ (ઉ.વ 46)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં કેશોદના રેવદ્રા ગામના વતની તથા હાલ રાજકોટ રહેતા અને ગોંડલમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદેવ કછોટ સામે નોંધાવી ફરિયાદ

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં રહેતા અને અમરેલીના કુકાવાવની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવનાર મહિલા સાથે કેશોદના રેવદ્રા ગામે રહેતા અને ગોંડલમાં શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શખસે છેતરપિંડી- વિશ્વાસઘાત કર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. શિક્ષિકાના બહેન અને આરોપી બંને શાળામાં સાથે ફરજ બજાવતા હોય જેથી બંને વચ્ચે પરિચય થયા બાદ આરોપીને રૂપિયા 1 કરોડ ઉછીના આપ્યા હતા જે તેણે પરત આપ્યા ન હતા દરમિયાન તેણે રાજકોટમાં એક મકાનનો સોદો કરાવ્યો હતો જે મકાન પર પણ આરોપીએ કબજો કરી લીધો હતો જેથી શિક્ષિકાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીમાં રહેતા નિર્મળાબેન રવજીભાઈ ગોળ (ઉ.વ 46) નામના શિક્ષિકાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેશોદના રેવન્દ્રા ગામના વતની અને હાલ રાજકોટમાં જીવરાજ પાર્ક મેન રોડ નાના મવા પાસે શ્રી રંગ રેસીડેન્સી બ્લોક નંબર 38 માં રહેતા રામદેવ માલદેવભાઈ કછોટનું નામ આપ્યું છે. શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં તેની માતા અને નાની બહેન સાથે રહે છે તેમના મોટા બહેન સરોજબેન જેતપુરના મેવાસા ગામે માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ફરિયાદી અમરેલીના કુકાવાવમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આરોપી રામદેવ કછોટ પણ શિક્ષક હોય જેથી છેલ્લા 17 વર્ષથી તેઓ તેમને ઓળખે છે.
આરોપી અને ફરિયાદીના મોટા બહેન ગોંડલમાં નુતન ક્ધયા વિદ્યાલયમાં સાથે નોકરી કરતા હતા. ત્યારબાદ આરોપી સાથે પરિચય થયો હતો આરોપીએ ફરિયાદીના મોટા બેહેનને વિશ્વાસમાં લઈ જરૂર પડે ત્યારે ઉછીના પૈસા લઈ ત્રણ મહિનામાં પરત કરી દેવાનું વચન આપી વર્ષ 2021 થી 22 દરમિયાન કટકે કટકે કરી કુલ રૂ. 1.07 કરોડ ઉછીના લીધા હતા. વર્ષ 2022 માં તેણે ફરિયાદી તથા તેના બેહનને વિશ્વાસમાં લઈ રોકાણ કરવા માટે રાજકોટમાં નાનામવા પાસે રંગ રેસીડેન્સીમાં મકાન લેવડાવ્યું હતું જે માટે લોન લીધી હતી દરમિયાન આ લોનમાંથી પણ 7 લાખ ઉપાડી રામદેવને હાથ ઉછીના આપ્યા હતા અને લોનનો હપ્તો રામદેવ ભરતો હતો. બાદમાં ફરિયાદીને ઉછીના આપેલા પૈસાની જરૂરિયાત પડતા તેણે આરોપી રામદેવ પાસેથી જે 1 કરોડ રૂપિયા ઉછીના આપ્યા હતા તે પરત માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. વારંવાર માંગણી કરતા અંતે ચેક આપ્યા હતા. જે ચેક પરત ફર્યા હતા જેથી આ અંગે કોર્ટમાં કેસ કર્યો હતો.
બીજી તરફ સાતેક મહિના પૂર્વે રાજકોટ સ્થિત ફરિયાદીના મકાનનું કામ ચાલુ હતું અને તે કામ પૂરું થયા બાદ તેમાં તાળા મારી દીધા હતા. બે મહિના પછી અહીં મકાને જતા આરોપી રામદેવ તાળું તોડી તેના પરિવાર સાથે અહીં ગેરકાયદેસર રીતે રહેવા આવી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતે તેને કહેતા તે ધમકાવવા લાગ્યો હતો. બાદમાં ફરિયાદીને જાણ થઈ હતી કે આરોપીએ અહીં માલિકી હકક ઊભો કરવા માટે મકાનનો લાઈટ બિલ તથા વેરા બિલ જે ફરિયાદીના નામનું આવતું હોય તેમાં ખોટી સહી કરી હતી આમ આરોપી રામદેવ કછોટે ફરિયાદી પાસેથી ઉછીના લીધેલા રૂપિયા એક કરોડ પરત ન આપી તેમજ ફરિયાદીના રાજકોટમાં આવેલા મકાન પર ગેરકાયદે કબજો કરી પચાવી પાડવાની કોશિશ કરી હોય આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 420, 465, 471, 448 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર