સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશસ્વામીએ વિરપુર ખાતે વિનામૂલ્યે ચાલતા સદાવ્રત અંગે ટિપ્પણી કરી જલારામબાપાને નીચા દેખાડતા ભક્તોમાં ભારે રોષ
જ્ઞાનપ્રકાશસ્વામીએ વાયરલ થયેલા વીડિયો અંગે માફી માંગવા છતાં પણ હજુ મંદિરે આવી માફી માંગવાની વિરપુર(જલારામ)વાસીઓની માંગ
(આઝાદ સંદેશ),રાજકોટ : લાખો લોકોના આસ્થા કેન્દ્ર એવા સૌરાષ્ટ્રના જગવિખ્યાત પૂ.જલારામ બાપાના ધામ કે જ્યાં દાન સ્વીકારાતું નથી છતાં તમામને વિનામૂલ્યે ભોજન માટે સદાવ્રત ચાલે છે તેના વિષે સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ નામના સ્વામીએ અજ્ઞાની બનીને જલારામબાપાએ ગુણાતીતાનંદ પાસે આશિર્વાદ માંગ્યા અને જુનાગઢ સ્વામિ. મંદિરમાં સેવા આપી તેવા હળાહળ જુઠ્ઠા અને એલફેલ ઉચ્ચારણો કરતા રઘુવંશી સમાજ સહિત સમગ્રહિન્દુ સમાજમાં આજે તીવ્ર આક્રોશની લાગણી જન્મી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના હળાહળ ખોટા અને લાખો ભાવિકતોની ધાર્મિક લાગણી દુભાવતા વિડીયો વાયરલ થતા પ્રચંડ જનાક્રોશ જાગ્યો છે. વીરપુરમાં આવા સ્વામીઓ સામે રણનીતિ ઘડવા આજે ગ્રામ પંચાયત કચેરી ખાતે આગેવાનો, વેપારીઓ વગેરેની બેઠકનું આયોજન કરાયું હતુ જેમાં એવો નિર્ણય લેવાયો છે કે, આજે સવારથી બે દિવસ માટે વિરપુર(જલાારામ) રોષપૂર્ણ બંધ પાળશે અને જ્યાં સુધી સ્વામી જ્ઞાનપ્રકાશ જલારામ મંદિર ખાતે આવીને માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો આ વિરોધ ચાલુ રહેશે. જો આવતીકાલ સુધીમાં તેઓ વિરપુર(જલારામ) ખાતે ન આવે તો ત્યારબાદની રણનીતિ ઘડવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, હિન્દુઓના આરાધ્ય દેવી-દેવતા, ભગવાન, સંતો વિષે જ્યારે આવા સ્વામી એલફેલ બકવાસ કરે ત્યારે સનાતની કહેવાતા સંતો, મહંતો, આગેવાનો વગેરે બહુ બહુ તો વિરોધમાં નિવેદન કરશે અને બહુ વિરોધ થશે તો માફી માંગી લેશું તેવું ગણત્રીપૂર્વકનું જોખમ લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ આ સિલસિલો જારી રાખ્યો છે. અગાઉ પણ લેઉઆ પાટીદાર સહિત સમાજના કુળદેવી ખોડિયાર માતાજીથી માંડીને ભગવાન શંકર, ગણેશજી, કૃષ્ણ ભગવાન વગેરે વિષે ખોટી અને આસ્થાને ઠેંસ પહોંચાડતી ટીપ્પણીઓ કરીને માફી માંગી હતી.
મહત્વનું છે કે, રાજકોટમાં શંકરાચાર્યજી, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા સહિત સંતોની હાજરીમાં આ સામે સંત સંમેલન યોજાયું હતું જેમાં માત્ર પ્રવચનો કરાયા હતા. બાગેશ્ર્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં જ હિન્દુઓમાં અંદર રહેલા આવા સાધુઓથી વધુ ખતરો હોવાનું નિવેદન કર્યું હતું. પરંતુ, આવા વિરોધથી સ્વામીઓમાં કોઈ ફરક પડ્યો નથી.
સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ સ્વામીઓ જાણે છે કે હિન્દુઓ માટે તેમના દેવીદેવતા જીવનનો આધાર છે, તે ભગવાનને પામવુ તે જીવનનો એકમાત્ર અંતિમ લક્ષ્ય હોય છે અને તેમને ઉતારી પાડતા ઉચ્ચારણોથી હિન્દુઓની લાગણી દુભાય છે. આ જાણવા છતાં છુપા એજન્ડાના ભાગરૂપે પહેલા ઉતારી પાડવા અને પછી માફી માગવાનો સિલસિલો જારી રહ્યો છે.