રૂરલ એસઓજીની ટીમે મુ.બિહારના વતની અને હાલ ભુજમાં રહેતા ટ્રકના ચાલક અવધ કિશોર રાય (ઉ.44)ની કરી ધરપકડ : કિં.રૂા.6.82 લાખના 300 કટ્ટા ચોખા સહીત કુલ રૂા.16.82 લાખનો મુદામાલ કબજે કરાયો : પુછપરછમાં જસદણના મયુર મોરીએ માલ ભરી દીધો હોવાનું જણાવતા શોધખોળ હાથ ધરવામાં આવી
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ રૂરલ એસઓજીની ટીમે જસદણની ગઢડીયા ચોકડીયા પાસેથી રૂા.6.82 લાખની કિંમતનો ગેરકાયદે સરકારી ચોખાનો જથ્થો ઝડપી લઇ મુ.બિહારના વતની અને હાલ કચ્છમાં રહેતા ટ્રકના ચાલકની ધરપકડ કરી છે. જ્યારે કે, આ ચોખા ભરી દેનાર જસદણના શખસની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં સસ્તા અનાજના ઘઉં અને ચોખાનો જથ્થો હેરાફેરી કરવામાં આવતો હોય તેવા વેપારી કે શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જીલ્લા પોલીસ વડા હીમકરસિંહની સુચનાના અનુસંધાને રૂરલ એસઓજી પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, આટકોટ થી બાવળા તરફ જીજે-12બીડબલ્યુ-9432 નંબરનો માલવાહક ટ્રક શંકાસ્પદ અનાજનો જથ્થો ભરી નીકળવાનો છે. જે હકીકતના આધારે સ્ટાફ ગઢડીયા ચોકડી પાસે વોચમાં હોય ત્યારે ઉપરોક્ત નંબરવાળો ટ્રક નીકળતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી સરકારી ચોખાના 300 કટ્ટા મળી આવતા આ જથ્થો ક્યાંથી આવ્યો? અને ક્યાં લઇ જવાનો છે? તે અંગે ટ્રકના ચાલકને પુછતા તેની પાસે આ ચોખાના જથ્થાનું કોઇ બીલ કે આધાર પુરાવા ન હોય જેથી શંકાસ્પદ 27305 કિલો ચોખાને કબજે લઇ રૂરલ એસઓજીની ટીમે ટ્રકના ચાલક મુ.બિહારના વતની અને હાલ કચ્છના ભુજમાં રહેતા અંજાર ટ્રાન્સપોર્ટના ચાલક અવધકિશોર વિશ્ર્વનાથ રાય (ઉ.44)ની અટક કરી ચોખા અને ટ્રક મળી રૂા.16,82,625/-નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. રૂરલ એસઓજી દ્વારા આ સરકારી ચોખાનો જથ્થો કોણે ભરી દીધો તેવું પુછતા ટ્રકના ચાલક અવધકિશોર રાયે જસદણ બાયપાસ સર્કલ પાસે વડલા વાડીમાં રહેતા મયુર નીલેશભાઇ મોરીનું નામ આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.