પાટણવાવ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગામમાં રહેતી તરૂણીને તેના જ ગામના 26 વર્ષના અપરણિત શખસે પોતાના ઘરે લઈ જઈ હવસનો શિકાર બનાવી : કિશોરીની માતાની ફરિયાદ ઉપરથી ગુનો નોંધી તપાસ શરૂ કરાઇ
(આઝાદ સંદેશ), રાજકોટ : ધોરાજી પંથકમાં તાજેતરમાં જ 15 વર્ષની સગીરા પર તેના સાવકા પિતાએ જ અવાર-નવાર દૂષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધાની ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો ત્યારે ફરી એકવાર ધોરાજી પંથક કલંકિત થયો હોય તેવું સામે આવી રહ્યું છે. જેમાં એક ગામમાં 16 વર્ષની સગીરા પર ગામના જ શખ્સે પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચાર્યાની ઘટના સામે આવતા પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ ધોરાજી પંથકમાં આવેલ એક ગામમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ગામના જ 26 વર્ષના એક શખ્સનું નામ આપ્યું હતું જે મામલે પાટણવાવ પોલીસે દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ મામલે વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદીની 16 વર્ષની સગીર પુત્રી હાલ અભ્યાસ કરે છે તેમને ગામના જ એક 26 વર્ષના અપરિણીત શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ સગીરા જ્યાં રહેતી હતી તેનાથી થોડે દૂર જ આરોપીનું એક મકાન આવેલું છે જ્યાં આરોપી સગીરાને લલચાવી ફોસલાવીને ત્યાં લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો.
દરમિયાન સગીર પુત્રી ઘરે મોડી પહોંચતા માતા પિતાએ તેને તે બાબતે વાત કરતાં સગીરા ભાંગી પડી હતી અને જણાવ્યું હતું કે, આરોપી તેને લલચાવી ફોસલાવીને પોતાના ઘરે લઈ જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.
જે વાતની પરિવારને જાણ થતા જ તેઓ તુરંત જ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને બનાવ અંગેની વાત કરી ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી પાટણવાવ પોલીસે ગુનો નોંધી આરોપીની અટક કરવા તજવીજ આદરી હતી.