રવિવાર, જુલાઇ 6, 2025

ઈ-પેપર

રવિવાર, જુલાઇ 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમહિકા ગામે પીજીવીસીએલના જુનિયર ઇજનેરને બિલ ઉઘરાણી મામલે ગ્રાહકે ફડાકા ઝીંકી દીધા

મહિકા ગામે પીજીવીસીએલના જુનિયર ઇજનેરને બિલ ઉઘરાણી મામલે ગ્રાહકે ફડાકા ઝીંકી દીધા

(આઝાદ સંદેશ),રાજકોટ: બહુમાળી ભવનમાં આવેલા ક્વાર્ટર્સમાં રહેતા અને પીજીવીસીએલના ત્રંબા સબ ડિવિઝન ખાતે જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીને મહીકા ગામમાં ગ્રાહકે ગાળો ભાંડી, તમાચો ઝીંકી, ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ આજી ડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ ફરિયાદમાં ભગીરથભાઈ ખીમાભાઇ મારુ (ઉ.30) એ જણાવ્યું છે કે વીજ બીલના નાણા બાકી હોય તેવા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની તેને ફરજ સોંપાયેલી છે. ગઈકાલે સવારે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જીતુભાઈ મકવાણા સાથે ત્રંબા સબ ડિવિઝન ઓફિસેથી મહીકા ગામે વીજ બીલના બાકી નાણાના કલેકશન માટે નીકળ્યા હતાં. તે વખતે શ્યામકિરણ પાર્ક સોસાયટી-5માં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ રોહીતભાઈ કાપડીયા મળ્યા હતાં. જે મકાન નં. 100માં રહેતા જમનાબેન અમિતભાઈ વાઘેલાના વીજ બીલના રૂ. 8444 બાકી હોવાથી તેની પાસે ગયા હતા. તે વખતે જમનાબેને પતિ અમિત સાથે વાત કરવાનું કહ્યું હતું. પરિણામે રોહીતભાઈએ અમિતભાઈને કોલ કરી જણાવ્યું કે તમારા વીજ બીલની બાકી રકમ ભરપાઇ કરી આપો, નહીંતર તમારું વીજ જોડાણ કાપવાની ફરજ પડશે. જેની સામે અમિતે કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી. બાદમાં રોહીતભાઈએ તેને કોલ આપતાં અમિતે કહ્યું કે કોઈ વાંધો નહીં, વીજ જોડાણ કાપીને ગલીની બહાર નીકળીને બતાવો. બાદમાં ફોન કાપી નાખ્યો હતો. થોડીવાર બાદ અમિત ત્યાં ધસી આવ્યો હતો. આવીને તેણે કોણે ફોન કર્યો હતો તેમ પૂછતાં ભગીરથભાઈએ પોતે કોલ કર્યાનું જણાવ્યું હતું. તે સાથે જ અમિતે તેની પાસે જઈ કાંઠલો પકડી લીધા બાદ, બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં એક તમાચો ઝીંકી કહ્યું કે જાનથી મારી નાખીશ. સાથી કર્મચારીઓએ વચ્ચે પડી ભગીરથભાઈને છોડાવ્યા હતાં. ત્યાર પછી પીજીવીસીએલની ટીમ ત્યાંથી નીકળી ગયા બાદ આજી ડેમ પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર