ગુરુવાર, ઓક્ટોબર 8, 2026

ઈ-પેપર

ગુરુવાર, ઓક્ટોબર 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઅભિનેતા નાના પાટેકરનું નિધન : રાજકારણથી લઈને બોલિવૂડ પણ શોકમાં ગરકાવ

અભિનેતા નાના પાટેકરનું નિધન : રાજકારણથી લઈને બોલિવૂડ પણ શોકમાં ગરકાવ

નવી દિલ્હી : ભારતીય અને મરાઠી સિનેમામાં પોતાના બુલંદ અવાજ, તીખા સંવાદો અને દમદાર અભિનયથી દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કરનાર દિગ્ગજ અભિનેતા નાના પાટેકર (વિશ્વનાથ પાટેકર)નું 75 વર્ષની વયે ગોવા ખાતે હૃદયરોગના હુમલા (કાર્ડિયાક અરેસ્ટ)ના કારણે દુ:ખદ અવસાન થયું છે. હોસ્પિટલ પહોંચાડતાં પહેલાં જ તેમનું નિધન થતાં સમગ્ર બોલિવૂડ, મરાઠી સિનેમા જગત અને રાજકીય જગતમાં ઘેરો શોક છવાયો છે.

ગોવાની મણિપાલ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના હેડ ડો. શેખર સાલકરે ઘટના અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ‘નાના પાટેકરે રાત્રે 2:30 વાગ્યાની આસપાસ પોતાના એક મિત્રને તબિયત સારી ન હોવાનો મેસેજ કર્યો હતો. મોડી રાત્રે મિત્રની નજર મેસેજ પર પડતાં તેઓ સવારે 4:00 વાગ્યે નાનાના ફ્લેટ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ભારે પરસેવાથી રેબઝેબ હતા અને હાલત લથડી રહી હતી. તુરંત જ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમને બોલાવવામાં આવી હતી.’

ડૉક્ટરે વધુમાં કહ્યું કે, ‘હોસ્પિટલની ઈમરજન્સી ટીમ ફ્લેટ પર પહોંચી ત્યારે જ નાના અચેતન થઈ ગયા હતા. ટીમે તેમને એમ્બ્યુલન્સમાં જ સીપીઆર (CPR) આપવાનું શરૂ કર્યું હતું. હોસ્પિટલમાં લાવ્યા બાદ પણ ડૉક્ટરોએ સતત 45 મિનિટ સુધી કાર્ડિયાક મસાજ આપી તેમને બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ સવારે 5:20 વાગ્યે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલો મેડિકો-લીગલ કેસ હોવાથી તેમના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ગોવા મેડિકલ કોલેજ લઇ જવાયો છે.

1978માં ‘ગમન’ ફિલ્મથી પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર નાના પાટેકરે ‘પરિંદા’, ‘ક્રાંતિવીર’, ‘અગ્નિ સાક્ષી’, ‘ખામોશી’, ‘અબ તક છપ્પન’, ‘વેલકમ’ અને ‘નટસમ્રાટ’ જેવી યાદગાર ફિલ્મો આપી હતી. તેમને 3 નેશનલ ફિલ્મ એવોર્ડ અને ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર