આંતરમાળખાકિય સુવિધા ઉભી કરવા કેન્દ્ર સરકારની 25 ટકા, 30 ટકા રાજ્ય અને 35 ટકાનો ખર્ચ મહાનગર પાલિકાએ કરવાનો હોવાછતાં નાણાંના અભાવે 1225 કરોડના બજેટ સામે 10 ટકા કામગીરી પણ નહીં
(આઝાદ સંદેશ) રાજકોટ : રાજકોટમાં મે મહિનામાં બનેલા ટીઆરપી અગ્નિકાંડ બાદ તત્કાલિન કમિશનર અને ટાઉનપ્લાનિંગ ઓફિસર દ્વારા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવાનું શરૂ કરાતા આવકમાં મોટું ગાબડું પડતાં મહાનગરપાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ ગઇ છે. આ કારણે વર્ષ 2024-25ના વાર્ષિક અંદાજપત્રમાં સુચવાયેલા રૂ.1225 કરોડના અમૃત-2 યોજના અંતર્ગત આંતરમાળખાકિય સુવિધના કામોમાંથી માત્ર રૂ.200 કરોડના કામો જ થયા છે. આંતરમાળખાકિય સુવિધા ઉભી કરવા અમૃત-2 યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મળતી હોવાછતાં પણ મહાનગરપાલિકા પોતાના ભાગે આવતી 35 ટકા રકમનો ખર્ચ પણ કરી શકે તેવી હાલત રહી નહોય અનેક વિસ્તારોમાં ડી.આઇ.પાઇપલાઇન, ડ્રેનેજ,પંમ્પિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન સહિતની આંતરિક માળખાકિય સુવિધાના કામ અટકી પડ્યા છે. ટીપી શાખા દ્વારા હાઇરાઇઝ્ડબિલ્ડિંગોના પ્લાન મંજૂર નહીં થતાં એફ.એસ.આઇ.ની આવકમાં મોટું ગાબડુ પડ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે ‘પછેડી જેટલી સોડ’ તાણવાને બદલે વાસ્તવિકતાથી દુર મહાકાય બજેટ રજુ કરવામાં આવે છે. આવકના મહાકાય આંકડાઓનો અંદાજ મુકવામાં આવે છે. પણ પુરતી આવક મળતી નથી. મહાનગરપાલિકાની આર્થિક કરોડરજ્જુ સમાન મિલકતવેરા સહિતની મહેસુલી આવકના રૂ.1003ના અંદાજ સામે રૂ.543 કરોડની આવક થઇ છે. આમાં રૂ.380 કરોડ તો પગાર ખર્ચ, પાણીખર્ચ વગેરેમાંજ વપરાય જાય છે. આથી, વિકાસકામો અને આંતરિક માળખાકિય સુવિધા ઉભી કરવા માટે મહાનગરપાલિકાએ અમૃત-2 અને મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના પર આધાર રાખવો પડે છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાને 100 ટકા ગ્રાન્ટ ચુકવવામાં આવે છે. જ્યારે, અમૃત-2 યોજનામાં કેન્દ્ર સરકાર 25 ટકા, રાજ્ય સરકાર 30 ટકાની ગ્રાન્ટ આપે છે. જ્યારે મહાનગરપાલિકાએ 35 ટકા ખર્ચ ભોગવવો પડે છે. સાથોસાથ ટેન્ડર પ્રિમીયમના પણ 30થી 35 ટકા મહાનગરપાલિકાએ ભોગવવાના હોય છે. આમ જોઇએ તો મહાનગરપાલિકાના ભાગે 70 ટકા ખર્ચ આવે છે. મહાનગરપાલિકા માટે આવકના મુખ્યસ્ત્રોત એવા મિલકતવેરા ઉપરાંત એફએસઆઇ અને પોતાની માલિકીના પ્લોટ વેંચાણની આવક છે.
પણ, ટીઆરપી અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાની ટીપી શાખા કાચબાગતિથી કામગીરી કરતી હોવાથી એફએસઆઇની આવકમા મોટું ગાબડું પડ્યું છે. વર્ષ 2024-25ના બજેટમાં એફએસઆઇની આવકનો અંદાજ રૂ.180 કરોડ મુકવામાં આવ્યો હતો. પણ મે મહિનાના અંતમાં બનેલા ટીઆરપી અગ્નિકાંડ બાદ ટીપી શાખા દ્વારા હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો સહિતના પ્લાન મંજૂર કરવામાં કાચબા ગતિ અપનાવતા બજેટ પુરૂં થવા આડે હવે માત્ર ચાર મહિના જ રહ્યા છે ત્યારે એફએસઆઇની આવક માત્ર રૂ.68 કરોડે પહોંચી છે! ઉલ્લેખનિય છે કે, હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવામાં ટીપીશાખા દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોય તેની સામે બિલ્ડરલોબીએ વિરોધ કરીને ઉઘડતા અઠવાડિયે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. પણ, લાંબા સમયથી પ્લાન મંજૂર થતા ન હોય એફ.એસ.આઇ.ની આવકમાં પણ મોટું ગાબડું પડતાં મહાનગરપાલિકાની તિજોરી તળિયાઝાટક થઇ જતાં નાના મોટા વિકાસ કામોની સાથોસાથ, અમૃત-2 મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના સહિતના આંતરિક માળખાકિય સુવિધાના અનેક કામો ટલ્લે ચડી ગયા છે.
એફએસઆઇની આવકની ખોટ સરભર કરવા નવનિયુક્ત કમિશનર સામે મોટો પડકાર
એફએસઆઇની આવકમાં મે મહિના બાદ જે ગાબડું પડ્યું છે એ ખાધ પુરવા માટે હવે નવનિયુક્ત કમિશનર તુષાર સુવેરા પાસે નાણાંકિય વર્ષના માત્ર ચાર મહિના જ બચ્યા છે. ત્યારે આ ખોટ સરભર કરીને રાજકોટનો વિકાસરથ ફરીથી દોડતો કરવાનો મોટો પડકાર નવનિયુક્ત કમિશનર તુષાર સુવેરા સામે રહેશે. નવનિયુક્ત કમિશનર સામે મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ સમજવા સાથે નવા બજેટની તૈયારી કરવા માટે પણ માત્ર બે મહિના જ રહ્યા છે. સાાન્યત: જાન્યુઆરીના અંતમાં કમિશનરે ડ્રાફ્ટ બજેટ રજુ કરી દે છે. અને ફેબ્રુઆરીના પહેલા પખવાડિયામા સ્ટેન્ડિંગ કમિટી તેમાં સુધારો વધારો કરીને ફાઇનલ બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરે છે. ત્યારે એક તરફ બજેટની તૈયારી અને બીજી તરફ એફએસઆઇની આવક વધારવા માટે મહત્વના પગલા નવનિયુક્ત કમિશનર માટે પડકારરૂપ બનશે.
મનપાના પ્લોટ વેંચાણની રૂ.બે હજાર કરોડની આવકનું પણ ગાબડું
મહાનગરપાલિકાની માલિકીના શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા પ્લોટની હરાજી માટે લાંબા સમયથી વાતો ચાલી રહી છે. વર્ષ 2024-25ના બજેટમાં આ પ્લોટની હરાજી કરીને રૂ.બે હજાર કરોડની આવક ઉભી કરવાનો અંદાજ મુકવામા આવ્યો હતો. પણ,રાજ્ય સરકારની મંજૂરીના અભાવે હજી સુધી એકપણ પ્લોટની હરાજી કરી શકાઇ નહોય પ્લોટ વેંચાણ કરીને રૂ. બે હજાર કરોડની આવક ઉભી કરવાના અંદાજમાં પણ ગાબડું પડ્યું છે.