લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલ નકળંગ હોટલ પાસેથી અંગ્રેજી દારૂની બોટલ સાથે ઓમ મહેતા (ઉ.વ.20) ઝડપાયો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9 શખ્સોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, પેડક રોડ પર કારખાનેદારે દારૂની મહેફીલનું આયોજન કર્યુ હોય જેની બાતમી બી ડિવિઝન પોલીસને મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. બી ડિવિઝનના પીઆઈ સુધિર રાણેની ટીમે બાતમીના આધારે પેડક રોડ પર અક્ષર હાઈટ્સની બાજુમાં હનિ સિલ્વર નામનું કાસ્ટિંગનું કારખાનું ચલાવતા નિલેશ શૈલેષભાઈ આસોદરિયાને ત્યાં દરોડો પાડ્યો હતો.
જેથી પોલીસે દારૂની મહેફીલ માણતા કુવાડવા રોડ ઉપર શિવરંજનીસોસાયટીમાં રહેતા કારખાનેદાર નિલેશ આસોદરિયા સાથે પેડક રોડ પર લાખેશ્ર્વર સોસાયટીમાં રહેતા ઈમીટેશનના વેપારી કલ્પેશ જયંતિભાઈ ઠુંમર, જસદણના કમળાપુર ગામે રહેતા વિજય હરિભાઈ બોઘરા તથા ધર્મેશ કેશુભાઈ રામાણી સાથે મુળ રાજસ્થાનના અને હાલ હનિ સિલ્વર નામના નિલેશભાઈના કારખાના પાસે રહેતા નેમારામ દુદાજી ચૌધરી, બોટાદના હડમતાળા ગામના વિપુલ ભરતભાઈ ડાભી, કુવાડવા રોડ પર શ્રીરામ કોમ્પલેક્ષ ફ્લેટ નં. 301માં રહેતા હિતેશ સુરેશ અજાણી, એસી રિપેરીંગનું કામ કરતા અને નાનામૌવા રોડ ઉપર ન્યુ ગાંધીનગર સોસાયટીમાં રહેતા ધર્મેશ વલ્લભ સાવલિયા અને બાપાસિતારામ ચોક હાર્મની સોસાયટી મવડી પ્લોટમાં રહેતા અને હાર્ડવેરની મજુરી કામ કરતા પરેશ જયંતિભાઈ રામાણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દારૂની મહેફીલમાં બાઈટીંગ તેમજ વેફર સહિત ગ્લાસ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી હતી.
બીજા દરોડામાં રાજકોટ શહેર એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમનાં આર.વી. ગોહિલ, એચ.જે. વાગિયા, શક્તિસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ દારૂના કેસ શોધી કાઢવા અંગે પેટ્રોલિંગમાં હોય ત્યારે વિવિધ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસમાંથી મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગરના નાલા પાસે આવેલ દાસી જીવણપરાની શેરી નં-5ના વ્રજ ભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતો ઓમ મહેતા (ઉ.વ.20) હાલ લક્ષ્મીનગર મેઇન રોડ ઉપર આવેલ નકળંગ હોટલ પાસે દારૂ લઇને ઉભો હોય તેના આધારે ટીમે ધસી જઇ દરોડો પાડી ઓમને રૂ.1478ની દારૂની બે બોટલ સાથે અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે કુવાડવા રોડ પર આવેલ લાતી પ્લોટની શેરી નં-11માં આવેલા ભારત મેટલ કારખાના પાસેના ફ્લેટમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની બોટલ સાથે અરવિંદ સોલંકી (ઉ.વ.38)ને ઝડપી પાડ્યો હતો. અરવિંદની પૂછપરછમાં દારૂ પુરો પાડનાર તરીકે રોહિદાસપરાના બિપીન રાઠોડનું નામ ખુલતા બી-ડિવિઝન પોલીસે તેને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી.