પતિ નશો કરતો હોય, કામધંધો ન કરતો હોવાથી મહિલા પિયર આવી ગઇ’તી
(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરના 40 ફૂટ રોડ પરની પ્રજાપતિ સોસાયટીમાં પિતાના ઘરે રહેતી મહિલાને ફોન કરી મેટોડા રહેતા તેના પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ ઓમનગર પાસેની પ્રજાપતિ સોસાયટીમાં પિતાના ઘરે રહેતી હેતલ ડોડિયા (ઉ.વ.24)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ મેટોડામાં રહેતા દિનેશ માનસીંગ ડોડિયાનું નામ આપ્યું હતું. હેતલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન પાંચ વર્ષ પહેલાં ગીર સોમનાથના ઇન્દ્રોઈ ગામના દિનેશ ડોડિયા સાથે થયા હતા અને લગ્નજીવન દરમિયાન પુત્ર કર્મરાજની પ્રાપ્તિ થઇ હતી. પુત્ર હાલમાં એક વર્ષનો છે, પતિ પત્ની અને પુત્ર મેટોડામાં રહેતા હતા. પતિ દિનેશ ડોડિયાને નશો કરવાની કુટેવ હોય અને તે કોઇ કામધંધો કરતો નહીં હોવાથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેથી દોઢ મહિનાથી હેતલ પોતાના પુત્રને લઈને રાજકોટ પિતાના ઘરે આવી ગઈ હતી અને પતિ સામે કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ કર્યો હતો.
ગત તા.13 નવેમ્બરે હેતલ તેના પિતાના ઘરે હતી ત્યારે પતિ દિનેશનો ફોન આવ્યો હતો અને તેણે બોલાચાલી કરી પૂરા પરિવારને છરીના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી અને પુત્ર કર્મરાજને પણ કોઇપણ રીતે લઇ જશે તેવી ચીમકી આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.