40-45 કોથળા મગફળી સળગી ગઇ, 60 હજાર બારદાન પણ બળી ગયા, ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી
(આઝાદ સંદેશ),રાજકોટ: શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં પડધરી-લોધિકા સંઘના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ સ્ટાફે ચાર ફાયર ફાઈટરો સાથે ધસી આવી બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી. આ આગમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીનો જથ્થો અને બારદાન મળી કુલ રૂ.5.61 લાખનું નુકસાન થયાનું બહાર આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ જૂના માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ પડધરી-લોધિકા સંઘના બારદાનના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી. જાણ કરતા ફાયર બ્રિગેડ ચાર ફાયર ફાઇટર સાથે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આગના બનાવમાં ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, આગ બારદાનની ગાંસડીમાં લાગી હતી અને મગફળીના આશરે 2000થી 2500 કટ્ટા બચાવી લીધા હતા અને આગમાં આશરે પાંચ હજારથી વધુ બારદાન બળીને ખાખ થઇ ગયા હતા.
જ્યારે બનાવની જાણ થતા લોધિકા સંઘના આગેવાનો ધસી ગયા હતા. દરમિયાન સંઘના કર્મચારી મંડળના મંત્રી જયસુખભાઈએ જણાવ્યું હતું કે, આગમાં 50થી 60 હજાર બારદાન અને તેમજ 40-50 કોથળા મગફળી સળગી જતા ભારે નુકસાન થયું છે. તાજેતરમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીની આવક હોય જેમાં 114નો લોટનો જથ્થો ખરીદી કરી પડયો હોય જેમાં 50-60 કોથળા બચાવી લીધા હતા અને 40-50 કોથળા સળગી ગયા હતા જેમાં એક કોથળામાં 35 કિલો હોય અંદાજે 80 મણ મગફળી સળગી ગઇ હતી. જેમાં એક મણના 1356 રૂપિયા ખરીદીનો ભાવ હોવાનું તેમજ 50- 60 હજાર બારદાન સળગી ગયા હોય જેમાં એક બારદાનની કિંમત 80 રૂપિયા હોય જેથી કુલ રૂ.5.61 લાખનું નુકસાન થયાનું તેમજ આગ શોર્ટ સર્કિટથી લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ફાયર બ્રિગેડ સ્ટાફે આગનું સાચું કારણ જાણવા મથામણ કરી છે.