જામનગર રોડ પર દારૂની બોટલ સાથે શખસની અટકાયત
(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ દારૂ અને જુગારની બદીઓને ડામી દેવા સુચના આપી હોય જેને અનુસરીને ભક્તિનગર, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસે જુદા જુદા દારૂના દરોડા પાડી ચાર શખસો સામે ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નરની સુચનાને અનુસરીને ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ એમ.એન.વસાવા અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે પરસાણાનગર મેઇન રોડ પર આવેલ બાપુનગર સ્મશાનની સામેની શેરીમાંથી અંગ્રેજી દારૂની હેરફેર કરતું એક્ટીવા નીકળવાનું હોય તેના આધારે વોચ ગોઠવી અંગ્રેજી દારૂ સાથે નીકળેલા ભદ્રેશ પાનસુરીયા (ઉ.34) અને અંકીત ડોબરીયા (ઉ.26)ની દારૂ અને એક્ટીવા મળી કુલ રૂા.40340/-ની મતા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઇ એસ.એલ.ગોહીલ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે માધાપર ગામે આવેલ ભોલેનાથ સોસાયટી શેરી નં.1ના રહેણાંક મકાનમાં દરોડો પાડી ચકાસણી હાથ ધરતા રૂા.18310/-ની અંગ્રેજી દારૂની જુદી જુદી બ્રાંડની 12 બોટલ મળી આવતા ગાંધીગ્રામ પોલીસે પ્રશાંત ગોંડલીયા સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ત્રીજા દરોડામાં પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાત અને પી.આર.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમીના આધારે જામનગર રોડ પર આવેલ સ્લમ ક્વાર્ટર કબ્રસ્તાનની બાજુમાંથી પસાર થતા આનંદ ઉર્ફે કાળુ મુછડીયા (ઉ.28)ને અટકાવી તલાશી લેતા તેની પાસેથી અંગ્રેજી દારૂની બોટલ મળી આવતા તેની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.