કામિનીબેન મારણકાનો ફરિયાદ લેવાને બદલે પોલીસ સ્ટેશનમાં સૂઈ રહેવાનો વીડિયો વાયરલ થતા પશ્ચિમ રેલવે એસપીએ કરી કાર્યવાહી
રાજકોટ : રાજકોટ રેલવે સ્ટેશન પરથી એક બાળક ગુમ થવાની ઘટનામાં ફરજ પર હાજર મહિલા એએસઆઈની બેદરકારી સામે આવી છે. બાળકના મામા ફરિયાદ નોંધાવવા રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પીએસઓ તરીકે ફરજ બજાવતા મહિલા એએસઆઈ કામિનીબેન મારણકા ગોદડું ઓઢીને સૂઈ રહ્યા હતા. ફરિયાદ લેવાને બદલે તેમણે 24 કલાક રાહ જોવાનું કહી પરત મોકલ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પશ્ચિમ રેલવે એસપીએ મહિલા એએસઆઈને સસ્પેન્ડ કર્યા છે.
રાજકોટ રેલવે સ્ટેશન પરિસરમાંથી એક બાળક ગુમ થતા તેના મામા તાત્કાલિક ફરિયાદ નોંધાવવા માટે રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા. તે સમયે પોલીસ સ્ટેશન ઓફિસર તરીકે ફરજ પર હાજર મહિલા એએસઆઈ કામિનીબેન મારણકા ફરિયાદ સાંભળવાને બદલે પોલીસ સ્ટેશનમાં ગોદડું ઓઢીને સૂઈ રહ્યા હતા. મામાએ તેમને જગાડીને બાળક ગુમ થયાની જાણ કરી હોવા છતાં તેમણે ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યો હતો અને 24 કલાક રાહ જોયા બાદ ફરિયાદ કરવા આવવાનું જણાવ્યું હતું.
પોલીસ સ્ટેશનમાં ફરજ પરના કર્મચારીની આ બેદરકારી અને સૂતેલી હાલતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મામલો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન, દ્વારકા પહોંચેલા બાળકે પૈસાની જરૂર પડતા એક પાનની દુકાનેથી પોતાના નાનાને ફોન કરીને ઓનલાઈન 300 રૂપિયા મંગાવ્યા હતા, જેની જાણ પરિવારે પોલીસને કરી હતી.
પોલીસની સર્વેલન્સ ટીમે દ્વારકા ખાતેની તે દુકાન અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. તપાસમાં બાળક દ્વારકા સ્ટેશનથી બપોરે 3:45 વાગ્યે ઉપડતી ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં બેઠો હોવાનું જણાતા પોલીસે ટ્રેનમાં તપાસ હાથ ધરી બાળકને શોધી કાઢ્યો હતો. બાળકને રાજકોટ લાવી પરિવારને સોંપવામાં આવ્યો છે, જ્યારે પ્રાથમિક તપાસ અને વાયરલ વીડિયોના આધારે પશ્ચિમ રેલવેના એસપીએ મહિલા એએસઆઈ કામિનીબેન મારણકાને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.


