વડાપ્રધાન મોદી અને સ્વિસ રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઈ બેઠક
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન વચ્ચે સોમવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. સંયુક્ત નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ અને ટેકનિકલ સહયોગ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બેઠક બાદ વડાપ્રધાન મોદીએ બન્ને દેશો વચ્ચે આગામી ૧૫ વર્ષમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણનો લક્ષ્યાંક નક્કી કરાયો હોવાનું જણાવ્યું હતું.
સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પરમેલિન ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા છે. ભારત મુલાકાત દરમિયાન તેમને વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી હતી. ભારતની કૃષિ, ફાર્મા, ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોની નિકાસને મોટું પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, બાયોટેકનોલોજી, બેન્કિંગ, વીમો અને ફૂડ પ્રોસેસિંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં સ્વિસ રોકાણની શક્યતાઓ પણ વધશે.ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન વચ્ચેના ઐતિહાસિક વ્યાપાર કરારનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ સમજૂતી થકી આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ લાવવાનું અને ૧૦ લાખ નવી પ્રત્યક્ષ રોજગારી ઊભી કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય છે.


