કલાસ-2 વિનસકુમાર સાંવરિયાએ વર્ષ 2024-25નું બંધ થયેલું ઇન્કમટેક્સ એસેસમેન્ટ ફરી નહીં ખોલવાના બદલામાં લાંચ માંગી હતી; ત્રિમંદિર નજીક એસીબીએ છટકું ગોઠવી કાર્યવાહી કરી
રાજકોટ : જામનગર-રાજકોટ હાઇવે પર ત્રિમંદિર નજીક ઇન્કમટેક્સ ઓફિસ પાસે એસીબીએ સફળ છટકું ગોઠવી અમદાવાદ ઓડિટ ભવનના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયાને રૂ. 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. ફરિયાદીની પેઢીનું બંધ થયેલું ઇન્કમટેક્સ એસેસમેન્ટ ઓડિટ માટે ફરી નહીં ખોલવાના અવેજમાં આ લાંચની માંગણી કરવામાં આવી હતી, જેના પગલે વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાથવા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર એસીબીની ટીમે અમદાવાદ આવકવેરા વિભાગના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ઊંચો પગાર મેળવતા હોવા છતાં વધારાની ગેરકાયદે આવકની લાલચમાં આ અધિકારીએ રૂ. 8 લાખ જેટલી માતબર રકમની લાંચ સ્વીકારી હતી, પરંતુ એસીબીની સતર્કતાને કારણે તે રંગેહાથ પકડાઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીની પેઢીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા વર્ષ 2024-25ના ઇન્કમટેક્સ રિટર્ન સંબંધિત ક્વેરીનું નિયમ મુજબ નિરાકરણ લાવી દેવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં, અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં ફરજ બજાવતા 44 વર્ષીય આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર વિનસકુમાર અમરચંદ સાવરીયાએ આ બંધ થઈ ગયેલું એસેસમેન્ટ ઓડિટ માટે ફરીથી નહીં ખોલવાના બદલામાં ફરિયાદી પાસે રૂ. 8 લાખની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતો ન હોવાથી તેણે આ અંગે જામનગર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની ખરાઈ કર્યા બાદ એસીબીની ટીમે આરોપી અધિકારીને પકડવા માટે છટકાનું આયોજન કર્યું હતું. નિર્ધારિત યોજના મુજબ, જામનગર-રાજકોટ હાઇવે પર ત્રિમંદિર તરફ જવાના સાઇનબોર્ડ નજીક આવેલી ઇન્કમટેક્સ ઓફિસ પાસે વિનસકુમાર સાવરીયા પોતાની કારમાં બેઠો હતો ત્યારે ફરિયાદી પાસેથી રૂ. 8 લાખની લાંચની રકમ સ્વીકારી હતી.
આ જ ક્ષણે આસપાસ વોચ ગોઠવીને ઉભેલી જામનગર એસીબીની ટીમે તુરંત દરોડો પાડી કારમાંથી જ આરોપી અધિકારી વિનસકુમાર સાવરીયાને લાંચની રકમ સાથે ઝડપી લીધો હતો. એસીબીએ સ્થળ પરથી લાંચના તમામ રૂ. 8 લાખ કબજે કર્યા છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક તેમજ રાજ્યના સરકારી અધિકારીઓના વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે.


