રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકજેને સમજાઈ જાય ગીતાનો આ મહિમા તે ભવ તરી જાય છે

જેને સમજાઈ જાય ગીતાનો આ મહિમા તે ભવ તરી જાય છે

(આઝાદ સંદેશ) : ગીતાનો મહિમા : શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા અગાધ અને અસીમ છે. આ ભગવદ્ ગીતા ગ્રંથ પ્રસ્થાનત્રયમાંનો માનવામાં આવે છે. મનુષ્યમાત્રના ઉદ્ધારને માટે ત્રણ રાજમાર્ગો ‘પ્રસ્થાનત્રય’ ના નામથી ઓળખવામાં આવે છે-એક વૈદિક પ્રસ્થાન છે, જેને ‘ઉપનિષદ્’ કહે છે; એક દાર્શનિક પ્રસ્થાન છે, જેને ‘બ્રહ્મસૂત્ર’ કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે, જેને ‘ભગવદ્ ગીતા’ કહે છે.
ઉપનિષદોમાં મંત્ર છે, બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે અને ભગવદ્ ગીતામાં શ્ર્લોક છે. ભગવદ્ ગીતામાં શ્ર્લોકોે હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે. આ શ્લોકોમાં બહુ જ ઉંડા અર્થ ભરેલા હોવાથી એમને સૂત્રો પણ કહી શકાય છે. ‘ઉપનિષદ્’ અધિકારી મનુષ્યોના કામની ચીજ છે અને ‘બ્રહ્મસૂત્ર’ વિદ્વાનોના કામની ચીજ છે; પરંતુ ‘ભગવદ્ ગીતા’ બધાયના કામની ચીજ છે.
ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક અને વિલક્ષણ ગ્રંથ છે. એમાં સાધકને માટે ઉપયોગી સઘળી સામગ્રી મળે જે ચાહે તે કોઇ પણ દેશની, કોઇ પણ વેશની, કોઇ પણ સમુદાય, કોઇ પણ સંપ્રદાયની, કોઇ પણ વર્ણની, કે કોઇ પણ આશ્રમની કોઇ પણ વ્યક્તિ કેમ ન હોય. એનું કારણ એ છે કે એમાં કોઇ સમુદાયવિશેષની નિંદા કે પ્રશંસા નથી, પરંતુ વાસ્તવિક તત્વનું જ વર્ણન છે.
વાસ્તવિક તત્વ (પરમાત્મા) એ છે, જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા અતીત અને સકળ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેમાં નિત્યનિરંતર એકરસ-એકરૂપ રહેવાવાળું છે. જે મનુષ્ય જ્યાં છે અને જેવો છે, વાસ્તવિક તત્વ ત્યાં તેવું જ પૂર્ણરૂપે વિદ્યમાન છે. પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય વસ્તુઓ અને વ્યક્તિઓમાં રાગદ્વેષરહિત થતાં તેનો આપોઆપ અનુભવ થઇ જાય છે.
ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે. એના ઉપર કેટલીય ટીકાઓ થઇ ગઇ અને કેટલીય થતી જ રહી છે, છતાં પણ સંતમહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવાનવા ભાવો પ્રગટ થતા રહે છે. આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં આવે, તો પણ એનો કોઇ પાર નથી પામી શક્તું. એમાં જેમજેમ ઊંડા ઊતરતા જઇએ છીએ, તેમ ને તેમ એમાંથી ઊંડી વાતો મલતી જાય છે.
જો એક સારા વિદ્વાન પુરુષના ભાવોનો પણ જલદી અંત નથી આવતો, તો પછી જેમનું નામ, રૂપ વગેરે યાવન્માત્ર અનંત છે, એવા ભગવાન દ્વારા કહેવાયેલાં વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી જ કેવી રીતે શકે? આ નાનકડા ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઇચ્છવાવાળો કોઇ પણ વર્ણ, આશ્રમ, દેશ, સંપ્રદાય, મત વગેરેનો કોઇ પણ મનુષ્ય કેમ ના હોય, આ ગ્રંથને વાંચતાં જ તેનાથી આકર્ષાઇ જાય છે. જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક પણ પઠનપાઠન કરે તો એને એમાંથી પોતાના ઉદ્ધારને માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે. પ્રત્યેક દર્શનના અલગ-અલગ અધિકારી હોય છે, પણ ગીતાની એ વિલક્ષણતા છે કે પોતાનો ઉદ્ધાર ઇચ્છવાવાળા સઘળેસઘળા એના અધિકારી છે. ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેક વાર કહેવામાં સંકોચ નથી કરવામાં આવ્યો, છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું. આવો સંક્ષેપમાં વિસ્તૃત, યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઇ ગ્રંથ નથી જોવા મળતો. પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષાવાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે; યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે-આ રીતે વ્યવહારમાત્રમાં પરમાર્થની કલા ગીતામાં શીખવવામાં આવે છે. આથી એની બરોબરીનો બીજો કોઇ ગ્રંથ જોવામાં નથી આવતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર