સોમવાર, સપ્ટેમ્બર 16, 2024

ઈ-પેપર

સોમવાર, સપ્ટેમ્બર 16, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકધર્મસંદેશ : જેમની પાસે જવાથી નિરંતર સુખનો અનુભવ થાય છે એ ‘શિવ’...

ધર્મસંદેશ : જેમની પાસે જવાથી નિરંતર સુખનો અનુભવ થાય છે એ ‘શિવ’ છે

(આઝાદ સંદેશ) : શિવ પાસે જવાથી સુખ મળે છે. એનો મતલબ થયો કે જેમની પાસે જવાથી નિરંતર સુખનો અનુભવ થાય છે એ શિવ છે, રામચરિત માનસમાં શિવતત્ત્વનું દર્શન અનેક પ્રકારે કરવામાં આવ્યું છે
ચિદાનંદ સુખધામ શિવ બિગત મોહ મદ કામ
વિચરહિં મહિ ધરિ હૃદયં હરિ સકલ લોક અભિરામ
‘માનસ’નો ‘શિવ’ શબ્દ જોડીને એક વિશિષ્ટ શિવદર્શન આ દોહામાં છે. શિવ ચિદાનંદ છે. તમે જેમના ચિત્તનો આનંદ અખંડ જુઓ એમને શિવ સમજવા. એમના નામનો આશ્રય કરીને જે સાધક આગળ વધે છે એ જ ચૈતસિક આનંદને નિરંતર પ્રાપ્ત કરી શકે છે. ‘રુદ્રાષ્ટક’માં પણ ‘ચિદાનંદ’ શબ્દ વારંવાર આવે છે. ભગવાનનું એક નામ છે સચ્ચિદાનંદ, ચૈતસિક આનંદ.
આનંદનાં ત્રણ સ્તર છે. આનંદની ધારા જ્યારે ચિત્ત સુધી પહોંચી જાય છે ત્યારે બુદ્ધપુરુષોને અખંડ આનંદનો અનુભવ થઈ આવે છે. પ્રસન્નતા ચિત્ત સુધી નથી પહોંચતી ત્યારે એ આનંદ વચ્ચે વચ્ચે સ્ખલિત થઈ જાય છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં જ્ઞાનની સાથે શબ્દ જોડવામાં આવ્યો છે અખંડ આનંદ. શરુશરુમાં આપણો આનંદ મનના સ્તર પર હોય છે. આપણે બોલતા હોઈએ છીએ કે એવો અભિપ્રાય પણ આપીએ છીએ કે આજે મન બહુ જ આનંદિત લાગે છે, પરંતુ આને બદલે આમ થયું હોત તો વિશેષ આનંદ આવત , એવો આનંદનો વિકલ્પ આવે તો સમજવું કે આનંદની યાત્રા હજી મનના સ્તર પર પહોંચી છે, આગળ નથી વધી. આપણો આનંદ ક્યારેક ક્યારેક મનના સ્તર પર જ રહે છે. આનંદ તો સૌમાં છે , કારણ કે આપણે તત્ત્વત: આનંદસ્વરુપ છીએ. એની ખોજ થવી જોઈએ. તમારી રુચિ જો સાધનાપક્ષમાં હોય , તો કોઈના માર્ગદર્શનથી ખોજ કરો. જો તમારી રુચિ કૃપાપક્ષમાં હોય તો પ્લીઝ , ગુરુ પર છોડી દો. એ આનંદની ખોજ કરી આપશે.
આનંદનો મણિ સૌ પાસે છે. આપણે આપણા વિચારોનું દર્શન કરીએ. જો તમારો પુરુષાર્થમાર્ગ છે, પ્રયાસમાર્ગ છે , સાધનાનો માર્ગ છે, જાતે પુરુષાર્થ કરવો છે તો એ તરફ જવું પડશે. જો તમારો માર્ગ કેવળ કૃપાનો માર્ગ છે, તો ગુરુ પર છોડી દો. કેટલાક લોકો પુરુષાર્થથી પ્રાપ્તિ કરવાની ચેષ્ટામાં રહે છે અને ક્યારેક-ક્યારેક આપણે માનીએ છીએ કે આ બધું આપણા પુરુષાર્થથી થયું છે, પરંતુ જ્યારે જાણ થાય છે ત્યારે સમજાય છે કે આપણા પુરુષાર્થથી નથી થયું, કોઈની કૃપાથી થયું છે.
હનુમાનજી એમ માનતા હતા કે, સંજીવનીનો પહાડ મેં ઊઠાવ્યો છે. એટલા માટે ભરતજીએ કહ્યું કે, આપ એમ જ જશો તો વિલંબ થશે. એટલે મારા આ બાણ પર આપ પર્વતસહિત બેસી જાઓ. હું આપને સમયસર લંકા પહોંચાડી દઈશ.
ભરતજી નંદિગ્રામમાં ‘રામ’, ‘રામ’ રટતા હતા, તો એમણે જોયું કે કોઈ રાક્ષસ પહાડ લઈને જઈ રહ્યો છે. એ ભરતજીનો ભ્રમ હતો. એમણે હનુમાનજીને ફણા વિનાનું બાણ માર્યું. હનુમાનજી પડયા તો ખરા, પરંતુ જોતા રહી ગયા કે પહાડ તો ઉપર જ રહી ગયો છે! હનુમાનજીનો ભ્રમ ભાંગ્યો કે હું વિચારતો હતો કે પહાડ મેં ઊઠાવ્યો છે, પરંતુ મેં ઊઠાવ્યો નહોતો! એ કોઈનો કૃપાપક્ષ છે, એ મારી સાધનાનો પક્ષ નથી. કળિયુગમાં મારા યુવાન ભાઈઓને હું સલાહ આપું છું કે હનુમાનજીના ઉગ્ર સ્વરુપની ઉપાસના ન કરવી. હનુમાનનું સૌમ્ય સ્વરુપ છે. જે રુપનું તમે ધ્યાન કરો છો એ પ્રમાણે ધ્યાન કર્યા બાદ તમારું સ્વરૂપ પણ બદલાશે. ઉગ્રતા તમને ઉગ્રતા આપશે. સૌમ્યતા તમને સૌમ્યતા આપશે. માનસિકતા શસ્ત્રમુક્ત હોવી જોઈએ. સંઘર્ષમુક્ત હોવી જોઈએ.
ભરતજી સદગુરુ છે. ચિત્રકૂટ જતી વખતે જે ભરતજીનું દર્શન કરતાં હતાં એ સૌના ભવરોગ મિટતા હતા. ભરતજી સદગુરુ વૈદ છે. હનુમાનજી ખુદ વૈદ છે. ત્યાં સુગ્રીવનો ભાઈ સુસેન વૈદ બેઠો છે. અશ્વિનીકુમાર આવી શક્તા હતા. લક્ષ્મણ ર્મૂછિત હતા , એમના માટે દવા લેવા હનુમાનજી ગયા હતા અને એ ખુદ ર્મૂછિત થઈ ગયા! હનુમાનજી સ્વયં સદગુરુ વૈદ છે , તો પછી એટલે દૂર દવા લેવા શા માટે ગયા ? આપણા વૈદ આપણી ખામીઓ કહેતા ડરશે. દુશ્મનનો વૈદ હશે એ જ ખામી બતાવી શકશે. વૈદ દોષદર્શી હોવા જોઈએ. બધા વૈદ સુવૈદ નથી હોતા. જેવી રીતે કાલનેમિ મંત્ર આપવા અને કથા સંભળાવવાને બહાને હનુમાનજીનો રસ્તો રોકે છે, જેથી કરીને હનુમાનજીને સંજીવની લાવવામાં વિલંબ થાય!
કેટલાક ગુરુ એવા હોય છે, જે સાધકનો રસ્તો રોકી દે છે અને કેટલાક ગુરુ એવા હોય છે, જે કોઈ પણ રીતે એને સમયસર મુકામ પર પહોંચાડી દે છે. કથા પણ રસ્તો રોકી શકે છે. જો સમ્યક્ રૂપે ન સાંભળી હોય તો એ પણ અવરોધ બની જાય છે. હું મારી અનુભૂતિ કહું તો કથા મારી ગતિને રોકતી નથી , પરંતુ ધક્કો દઈ રહી છે. મારા માટે કથા બાધક નથી, સાધક છે. ખોટા ગુરુઓ પોતાની સંકુચિત વાતો સાધકના કાનમાં નાખવા માગે છે. એમને દીક્ષા દેવાને બહાને , કંઠી પહેરાવવાને બહાને, કથા સંભળાવવાને બહાને , કોઈપણ રીતે રસ્તો રોકવો છે! સાધકની ગતિ રોકવાને માટે કેટલાય કાલનેમિ મોજૂદ છે! જીવનના પંથ પર અનેક ગુરુ મળી શકે છે, પરંતુ કથા સાંભળ્યા પછી આપણે એ બાબતે સાવધ રહીએ કે આપણી ઈચ્છા પૂરી કરવાને માટે ગુરુ છે કે એમની યોજના પૂરી કરવાને માટે ગુરુ છે ?
તો , મારાં ભાઈ-બહેનો , બે માર્ગ છે. એક સાધનાનો પક્ષ કે કર્મનો પક્ષ. બીજો પક્ષ છે કૃપાનો પક્ષ. જે આપણી આનંદધારાને પ્રગટ થવામાં અવરોધ ઊભો કરે એવા વિચારોને કાંકરાની માફક ફેંકી દેવા. સૌની પાસે આનંદમણિ છે. આનંદ આપણું સ્વરુપ છે , પરંતુ આનંદ વિશે મનમાં વિકલ્પો થયા કરે છે, પરંતુ સાધક કૃપાપક્ષને લઈને જો પ્રયત્ન કરે, તો યાત્રા ધીમી હોય તો પણ એની યાત્રા આનંદના સ્તરેથી બુદ્ધિ સુધી પહોંચે છે. આનંદ વારંવાર ખંડિત ન થાય ત્યારે સમજવું કે આનંદ મારી બુદ્ધિને સ્પર્શી રહ્યો છે. ત્યારબાદ આનંદની યાત્રા ચિત્તપ્રદેશમાં થાય છે, જેને ચિદાનંદ કહે છે. ‘ચિદાનંદ’ બહુ સુંદર શબ્દ છે. ચિદાનંદ સુખધામ શિવ.’ શંકરાચાર્ય કહે છે, આનંદને માટે ધીરે ધીરે બધા જ સ્તર છૂટી જાય અને ’ ચિદાનંદ રૂપ: શિવોડહમ શિવોડહમ’
બીજું લક્ષણ, સુખધામ શિવ. ભગવાન શિવ સુખધામ છે. રામનું નામ છે સુખધામ. શિવનું સ્વરૂપ સુખધામ છે. શિવ પાસે જવાથી સુખ મળે છે. સુખની અનુભૂતિ થાય છે. એનો મતલબ થયો કે જેમની પાસે જવાથી નિરંતર સુખનો અનુભવ થાય છે એ શિવ છે. એ કોઈ ગણવેશવાળા હોવા જરૂરી નથી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર