શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરેલવે કર્મચારીના ક્રેડિટ કાર્ડનું રૂ.2.34 લાખનું પેમેન્ટ વસુલવા ઓફિસમાં ઘૂસી રિકવરી એજન્ટોએ...

રેલવે કર્મચારીના ક્રેડિટ કાર્ડનું રૂ.2.34 લાખનું પેમેન્ટ વસુલવા ઓફિસમાં ઘૂસી રિકવરી એજન્ટોએ માર માર્યો

રેલનગરમાં રહેતા અને કોઠી કમ્પાઉન્ડમાં ઓફિસ ધરાવતા પ્રકાશભાઇ સામળ (ઉ.વ.34)એ પ્ર-નગર પોલીસ મથકમાં બિપીન અને અશ્ર્વિન સામે નોંધાવી ફરિયાદ : જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ

(આઝાદ સંદેશ),રાજકોટ: બેંકના ક્રેડીટ કાર્ડના રૂા.2.34 લાખ વસુલવા માટે બે રીકવરી એજન્ટોએ ગુંડાગીરી કરી, રેલવે કર્મચારીને ઓફીસમાં ઘુસી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસેે બંન્ને રીકવરી એજન્ટોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રેલનગર-2માં આસ્થા ચોકની બાજુમાં રહેતા અને કોઠી કમ્પાઉન્ડ ખાતે આવેલા રેલવેના કંટ્રોલ રૂમમાં ખલાસી તરીકે ફરજ બજાવતા પ્રકાશ ધનજીભાઇ શામળ (ઉ.34)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે એસબીઆઇ બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવે છે. ગત તા.17ના રોજ બપોરે ઓફીસે હતો ત્યારે બીપીને કોલ કરી કહ્યું કે તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2.34 લાખનું પેમેન્ટ બાકી છે. જેની સામે તેણે કહ્યું કે, અત્યારે હું ઓનડયુટી છું, સાંજે 6 વાગે વાત કરીશું, પરંતુ તમે મારા ઘરે કે ઓફિસે પેમેન્ટ માટે આવતા નહીં. આમ છતાં 3-30 વાગ્યે બીપીન તેના ઘરે ગયો હતો. જ્યાં તેના પિતાને મોટા અવાજે કહ્યું કે, પ્રકાશને કહેજો પેમેન્ટ ચુકવી દે. ત્યારપછી તેની ઓફીસે આવી રોફ જમાવી તત્કાળ પેમેન્ટ કરવા કહ્યું હતું. જેની સામે તેણે કહ્યું કે, તમે મારી ઓફીસમાં આ રીતે વાત ન કરો, તમે અત્યારે જતા રહો, તમારી પાસે બેન્કનો ઓફીશ્યલ લેટર હોય તો બતાવો, જેથી ખબર પડે કે તમે સાચે જ બેન્કમાંથી આવો છો પરંતુ બીપીને કોઇ ઓફીશ્યલ લેટર બતાવ્યો ન હતો. સાથોસાથ એટલું જરૂર કહ્યું કે હું પલ્સ એન્ડ સ્વરાજ કોલસર પ્રા.લી. નામની કંપનીમાંથી આવું છું, પૈસા અત્યારે જ આપવા પડશે, હું પૈસા લીધા વગર નહીં જાઉ જેની સામે તેણે કહ્યું કે, મારી પાસે હાલ પૈસાની સગવડ નથી. તે સાથે જ ઉશ્કેરાઇ જઇ બીપીને ગાળાગાળી શરૂ કરી હતી. થોડીવાર બાદ તેણે કોલ કરી અશ્ર્વિનને બોલાવ્યો હતો. આ પછી બંને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા એટલું જ નહીં અશ્ર્વિને તો એમ પણ કહ્યું કે ખાલી આપણું નામ જ કાફી છે. આટલેથી નહીં અટકતા બંન્નેએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. તેનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો. જો પેમેન્ટ નહીં મળે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી કહ્યું કે, પૈસા તો ગમે તે સંજોગોમાં આપવા જ પડશે. આ બાબતે જો પોલીસમાં ફરિયાદ કરશો તો તમારા વિરૂદ્ધ એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાવીશ તેવી ધમકી આપી હતી. આ દરમિયાન તેની ઓફીસની સ્ટાફના માણસો ભેગા થઇ ગયા હતા. જેમણે બંન્ને ઝઘડો નહીં કરવા સમજાવ્યા હતા. ત્યારપછી તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો પરંતુ તત્કાળ ફરિયાદ નહીં નોંધાવી સિવીલમાં સારવાર લીધી હતી. આ ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે આરોપી બીપીન હરીભાઇ સોલંકી (રહે.સોરઠીયા પ્લોટ) અને અશ્ર્વિન વસંતભાઇ કુગશીયા (રહે.પોપટપરા-11)ની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બેન્ક અને નાણાકીય સંસ્થાઓના રીકવરી એજન્ટો છાશવારે ગ્રાહકો સાથે માથાકુટ, મારકુટ અને અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો અવાર નવાર ઉઠે છે. પરંતુ મોટાભાગના ગ્રાહકો ડર કે બીજા કારણસર ફરિયાદ નોંધાવવાનું ટાળતા હોવાથી રીકવરી એજન્ટોને મોકળુ મેદાન મળી જાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર