રાજકોટ જિલ્લામાં અગાઉ સર્વે થઇ ગયો હતો, તેનું વળતર મળે તે પૂર્વે જ ફરી વરસાદ પડતાં નવેસરથી સર્વે કરવાની ખેડૂતોની માંગ, આગામી દિવસોમાં કલેકટર, ડીડીઓને રજૂઆત કરાશે
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના પગલે ખેતરોમાં રાખવામાં આવેલા મગફળીના પાથરા તણાઇ જતાં ખેડૂતોને દિવાળીમાં હોળી સર્જાઇ છે. ગોંડલના સુલતાનપુરમાં એક સાથે ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડી ગયા બાદ ખેડૂતોએ ખેતરમાં રાખેલી મગફળી, પાથરા વરસાદી પાણીમાં તણાતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે. અગાઉ એક વખત સર્વે થયા બાદ હવે ફરી ત્રીજી વખત વરસાદ પડતાં નવેસરથી સર્વે કરી વળતર અપાવવા ખેડૂતોએ માંગ કરી છે.
દિવાળી પૂર્વે જ રાજકોટ જિલ્લામાં ખેડૂતોએ જ્યાં પાકની વધારે નુકસાની થઇ છે અને જે તાલુકા ગ્રામ્ય પંથકમાં બેથી પાંચ ઇંચ વરસાદ અગાઉના સર્વે બાદ પડ્યો છે ત્યાં ફરીથી સર્વેની માંગણી તાકીદે કરવા ખેડૂતોએ દરેક તાલુકા મામલતદારો સમક્ષ કરી છે. ગોંડલના સુલતાનપુર પંથકમાં રવિવારે ચારથી પાંચ ઇંચ વરસાદ પડતાં ખેડૂતોની દયનિય સ્થિતિ પ્રવર્તી છે. સુલતાનપુર ગામમાંથી એક હજાર એકરની મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામતા ખેતીના પાકને કરોડોનું નુકસાન ગયાનું બહાર આવ્યું છે. જે મગફળી ખેડૂતો ઉપાડી શકયા નથી તે જમીનમાં ફરી ઉગી ગઇ છે અને સડી પણ ગઇ છે.
લોધિકા, ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડતાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. આગામી દિવસોમાં ખેડૂતો કલેકટરને રજૂઆત કરશે.
ગોંડલના સુલતાનપુર પંથકમાં ગઇકાલ બપોરે 4 વાગ્યા થી 5.30 સુધી માં સુપડા ધારે જાણે આભ ફાટ્યું હોઈ તે રિતે વરસાદ પડતાં દોઠ કલાકમાં 5 ઈંચ વરસાદ સુલતનપુરની સિમ વિસ્તારમાં ખાબકી જતા ખેડૂતોનો બચ્યો પાક પણ સદંતર નાશ પામ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી સુલતાનપુર પંથકમાં વરસાદ પડવાથી આ વિસ્તારના ખેડૂતોનો ખાસ કરી મગફળીનું વાવેતર વધુ કરેલ હોઈ જેમાં સહકારી મંડળી તથા બેન્ક ધીરાણ લેતા ખેડૂતોના પાકની એક અંદાજ કરીયે તો 1 હજાર એકરમાં સુલતાનપુરના ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ હતું જે પાક નવરાત્રીમાં પાક ઉપર આવી ગયેલ જે ખેડૂતોએ દશેરા પર પાક ઉપાડ્યો હોઈ તે પાક 11 તારીખથી રોજ વરસાદ પડતાં મગફળી ઉપાડી શકેલ નહિ જેમાં 25% પાક જમીનમાં જ સડી ગયેલ ને ઊગી ગયેલ.
છેલ્લા ચાર દિવસ પહેલા થોડીક વરસાદે વિરામ લેતા તમામ ખેડુતો મગફળી ઉપાડી લીધેલ પરંતુ ચાર દિવસથી સતત વરસાદના લીધે ખેડૂતોના ખેતરોમાં રહેલ મગફળીના પાથરા પલળી સડી ગયા જ્યારે ગઇકાલે જાણે વાદળ ફાટ્યું હોઈ તેમ 5 ઈંચ જેવો વરસાદ એક સામટો પડતા ખેતરોમાં રહી સહી બચેલા મગફળીના તમામ પાક વધુ વરસાદ પડતાં તણાઈ ગયા હતા અનેક ખેડૂતોની નજર સામે પાથરા તણાવા લાગતા જગતનો તાત કશું કરી ન શક્યો એક અંદાજ મુજબ માત્ર સુલતાનપુરના જ ખેડૂતો નો 1 હજાર એકર મગફળીનો પાક સંપૂર્ણ નાશ થઈ જતા એકલા સુલતાનપુર પંથકના ખેડૂતોને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતો ને તો ઓણ વર્ષની દિવાળી પહેલાજ દિવાળી બગડી ગઈ આજે સુલતાનપુરના અનેક ખેડૂતો ખેતરનો મગફળીનો પાક તણાવા લાગતા રડતા નજરે પડ્યા હતા. આ વિસ્તારમાં સરકાર દ્વારા તાત્કાલિક સરકારી સહાય સર્વે કરી પહોંચતી કરવી જોઈએ અન્યથા અનેક ખેડૂતો દેવામાં આવી જશે તેવી વ્યથા વ્યકત કરી હતી.