(આઝાદ સંદેશ),રાજકોટ: સરકારના ઉચ્ચ અધિકારીઓ અને વનકર્મીઓ વચ્ચે સાસણમાં થયેલો ડખ્ખો ગાંધીનગર સચિવાલયમાં ચર્ચાનો મુદો રહ્યો હતો. સરકારની આબરૂ ધુળધાણી થયા બાદ હવે આ અંગે સીએમઓમાંથી તપાસના આદેશ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બંન્ને પક્ષ એકબીજા પર વાંક-ગુનો હોવાના આરોપ-પ્રતિઆરોપ કરી બચવા માટેના પ્રયાસમાં લાગી ગયા છે. અમુક ઉચ્ચ અધિકારીઓ આઇએએસ અને આઇએફએસનો વાંક ગણાવે છે. જ્યારે અમુક ગાર્ડ-ફોરેસ્ટરની સામાન્ય બાબતમાં દાદાગીરી ગણાવી રહ્યા છે. આજે ગુજરાતભરના ઉચ્ચ અધિકારીઓમાં સાસણનો ડખ્ખો ચર્ચાના કેન્દ્ર પર રહ્યો હતો. ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ એકબીજા પાસેથી સમગ્ર હકીકત અંગે જાણવાના પ્રયાસ કરતા હતા.
સાસણમાં આજ સુધી કદી આઇએફએસ કે આઇએએસ અધિકારીઓને વનકર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો ન હ તો. આ પ્રથમ ઘટનાથી વન વિભાગ તથા સરકારની આબરૂને બટ્ટો લાગ્યો છે. જાણકારોના મતે સરકારના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી છે. અધિકારીઓના અંદરો-અંદરના વાંધાઓના કારણે અમુક ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર સીએફ ટી.કરૂપાસ્વામી અને સેક્રેટરી જે.રજનીથકુમારનો વાંક ગણાવી રહ્યા છે. દિવાળીના વેકેશનમાં સાસણ ફરવા આવેલા આઇએએસ અને આઇએફએસ અધિકારીને સામાન્ય એવી નાના બાળકને લઘુશંકા કરાવવા જેવી બાબતે મુદે ગાર્ડ અને ફોરેસ્ટર દ્વારા માર મારવામાં આવ્યો હતો. સામા પક્ષે અધિકારીઓએ પણ માર માર્યો હોવાનો આરોપ થઇ રહ્યો છે. વનકર્મીઓએ ઉચ્ચ અધિકારીઓ હોવાનું ન જાણતા હોવાથી માર મારી લીધો હોવાનો સ્વીકાર કર્યો છે. આ તો ઉચ્ચ અધિકારી હતા એટલે માર મારનાર વનકર્મીઓએ ઓળખતા ન હોવાનું બહાનું આગળ ધરી માફી માંગી હતી પરંતુ જો અન્ય કોઇ પ્રવાસી કે સામાન્ય વ્યક્તિ હોત તો શું માર મારનાર વનકર્મીઓ માફી માંગે ખરા? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકાર દ્વારા આ મુદે તપાસના આદેશ કરવામાં આવ્યા છે હવે તપાસમાં શું હકીકત સામે આવે છે અને કોના પર શું કાર્યવાહી થાય છે તે મહત્વનું રહેશે.