રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકધર્મ સંદેશ : ઉપનિષદોના આ પાંચ વચનમાં સમાયો છે જીવનનો સાચો અર્થ

ધર્મ સંદેશ : ઉપનિષદોના આ પાંચ વચનમાં સમાયો છે જીવનનો સાચો અર્થ

આપણા ઉપનિષદોના 5 વચન જેનું દરેકે જીવનમાં આચરણ કરવું જરૂરી છે, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દેખાડે છે આ વચનો

(આઝાદ સંદેશા : હિંદુઓનો ધર્મગ્રંથ છે વેદ. વેદના 4 ભાગ છે. ઋગ, યજુ, સામ અને અર્થ. ચારેના અંતિમ ભાગ કે તત્વજ્ઞાનને વેદાંત અને ઉપનિષદ કહે છે. ઉપનિષદોની સંખ્યા લગભગ 1,000 બતાવવામાં આવી છે. તેમાં પણ 108 મહત્વપૂર્ણ છે. તે ઉપનિષદો નાના નાના હોય છે. લગભગ 5-6 પાનાંના. આ ઉપનિષદોનો સાર કે નીચોડ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ગીતા. ઈતિહાસ ગ્રંથ મહાભારતને પંચમ વેદ માનવામાં આવ્યો છે. વાલ્મીકી રામાયણ અને 18 પુરાણોને પણ ઈતિહાસ ગ્રંથોની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે.
પ્રથમેનાર્જિતા વિદ્યા દ્વિતીયેનાર્જિતં ધનં તૃતિયેનાર્જિત: કિર્તિ: ચતુર્થે કિં કરિષ્યતિ ॥
અર્થ : જેણે પ્રથમ અર્થાત બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યા અર્જિત નથી કરી, દ્વિતીય અર્થાત ગૃહસ્થ આશ્રમમાં ધન અર્જિત નથી કર્યું, તૃતીય અર્થાત વાનપ્રસ્થ આશ્રમમાં કીર્તિ અર્જિત ન કરી, તે ચતુર્થ અર્થાત સંન્યાસ આશ્રમમાં શું કરશે? જેમણે પણ ઉપનિષદોને વાંચ્યા અને સમજ્યા, તે એવું માનીને ચાલો કે તેમનું જીવન બદલાઈ ગયું. તેમની વિચારસરણી બદલાઈ ગઈ. ઉપનિષદોથી ઉપર કાંઈ જ નથી. દુનિયાનું સંપૂર્ણ દર્શન, વિજ્ઞાન અને ધર્મ ઉપનિષદોમાં સમાયેલા છે. આવો આપણે જાણીએ ઉપનિષદોના તે 5 વચનોને જે દરેક માણસે યાદ રાખવા જોઈએ.
પહેલું વચન : આહાર શુદ્ધિથી પ્રાણોના સતની શુદ્ધિ થાય છે. સત્વ શુદ્ધિથી સ્મૃતિ નિર્મળ અને સ્થિરમતિ (જેને પ્રજ્ઞા કહે છે) પ્રાપ્ત થાય છે. સ્થિર બુદ્ધીથી જન્મ જન્માંતરના બંધનો અને ગ્રંથીઓનો નાશ થાય છે અને બંધનો અને ગ્રંથીઓમાંથી મુક્તિ જ મોક્ષ છે. એટલે આહાર શુદ્ધિ પ્રથમ નિયમ અને પ્રતિબદ્ધતા છે. આહાર માત્ર તે નથી જે મોઢેથી લેવામાં આવે, આહારનો અભિપ્રાય છે સ્થૂળ શરીર અને શુક્ષ્મ શરીરને પુષ્ટ અને સ્વસ્થ રાખવા માટે આ દુનિયામાંથી જે આહાર લેવામાં આવે.
(1) કાન માટે આહાર છે શબ્દ કે અવાજ., (2) ત્વચા માટે આહાર છે સ્પર્શ., (3) નેત્રો માટે આહાર છે દ્રશ્ય કે રૂપ જગત., (4) નાક માટે આહાર છે ગંધ કે સુગંધ., (5) જીવવા માટે આહાર છે અન્ન અને રસ., (6) મન માટે આહાર છે ઉત્તમ વિચાર અને ધ્યાન.
એટલે જ્ઞાનેન્દ્રીયોના જે 5 દોષ છે જેનાથી ચેતનામાં વિકાર પેદા થાય છે, તેનાથી બચો.
બીજું વચન : પ્રત્યેક વસ્તુ પૂર્ણ છે. પછી તે વ્યક્તિ હોય, જગત હોય, પથ્થર, વૃક્ષ કે બીજા કોઈ બ્રહ્માંડ હોય. કેમ કે તે પૂર્ણથી જ બધાની ઉત્પતી થઇ છે. સ્વયંની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ધ્યાન જરૂરી છે. જે રીતે એક બીજ ખીલે છે અને વૃક્ષ બનીને હજારો બીજોમાં બદલાઈ જાય છે, તે રીતે જ માણસની પણ ગતિ છે. આ સંસાર ઊંધા વૃક્ષ સમાન છે. વ્યક્તિના મગજમાં તેની પૂર્ણતાના મૂળ છે. એવું ઉપનિષદોમાં લખ્યું છે.
ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે
પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥ -બૃહદારણ્યક ઉપનિષદ
અર્થ : અર્થાત તે સચ્ચીદાનંદધન પરમબ્રહ્મ પુરુષોત્તમ પરમાત્મા દરેક રીતે સદા સર્વદા પરીપૂર્ણ છે. આ જગત પણ તે પરમબ્રહ્મથી પૂર્ણ જ છે, કેમ કે આ પૂર્ણ તે પૂર્ણપુરુષોત્તમમાંથી જ ઉત્પન થયું છે. આ રીતે પરબ્રહ્મની પૂર્ણતાથી જગત પૂર્ણ થવા ઉપર પણ તે પરમબ્રહ્મ પરિપૂર્ણ છે. તે પૂર્ણમાંથી પૂર્ણને કાઢી નાખવાથી પણ તે પૂર્ણ જ બાકી રહે છે.
ત્રીજું વચન : જે વ્યક્તિ પરસ્પર સહ-અસ્તિત્વની ભાવના રાખે છે, મનુષ્યોમાં તે શ્રેષ્ઠ છે. બધાના આરોગ્ય અને રક્ષણની કામના કરવા વાળા જ પોતાના મનને નિર્મળ બનાવીને શ્રેષ્ઠ વાતાવરણને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ નીચે જણાવેલ ભાવનાને આત્મસાત કરે છે, તેનું જીવન શ્રેષ્ઠ બનતું જાય છે.
ૐ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યં કરવા વહે
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે ॥-કઠોપનિષદ
અર્થ : પરમેશ્વર અમે શિષ્ય અને અમારા આચાર્ય બંનેની સાથે રક્ષા કરો. અમને બંનેને સાથે વિદ્યાના ફળનો ભોગ કરાવો. અમે બંને એક સાથે મળીને વિદ્યા પ્રાપ્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. અમારા બંનેનું વાંચેલું તેજસ્વી હોય. અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ. ઉપર જણાવેલી ભાવના રાખવા વાળાનું મન નિર્મળ રહે છે. નિર્મળ મનથી નિર્મળ ભવિષ્યનો ઉદય થાય છે.
ચોથું વચન :
શરીરમાઘં ખલુ ધર્મસાધનમ્ ॥-ઉપનિષદ
અર્થ : શરીર જ તમામ ધર્મો (કર્તવ્યો) પુરા કરવાનું સાધન છે. એટલે કે શરીરને તંદુરસ્ત જાળવી રાખવું જરૂરી છે. તે હોય તો બધું જ છે, એટલે કે શરીરનું રક્ષણ અને તેને નીરોગી રાખવું માણસનું સર્વપ્રથમ કર્તવ્ય છે. પહેલું સુખ નીરોગી કાયા.
પાંચમું વચન :
॥ યેષાં ન વિદ્યા ન તપો ન દાનં, જાનં ન શીલં ન ગુણો ન ધર્મ : તે મૃત્યુલોકે ભુવિ ભારભૂતા, મનુષ્યરૂપેણ મૃગાશ્ર્વરન્તિ ॥-ઉપનિષદ
અર્થ : જેની પાસે વિદ્યા, તપ, જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને ધર્મ માંથી કાંઈ નથી, તે માણસ એવું જીવન પસાર કરે છે જેવું કે એક મૃગ એટલે કે હરણ. એટલે કે જે માણસે કોઈ પણ પ્રકારે વિદ્યાનું અધ્યયન નથી કર્યું, ન તો તેણે વ્રત અને તપ કર્યું, થોડું ઘણું અન્ન, વસ્ત્ર, ધન કે વિદ્યા દાન નથી કર્યું, ન તો તેમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે, ન ચારિત્ર્ય છે, ન ગુણ છે અને ન ધર્મ છે, એવા માણસ આ ધરતી ઉપર બોજ છે. માણસ રૂપમાં હોવા છતાં પણ પશુ જેવું જીવન પસાર કરે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર