ગુરુવાર, નવેમ્બર 19, 2026

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવડતાલ સ્વામિ. સંપ્રદાયના બે સ્વામિએ આચરી રૂ.સવા કરોડની છેતરપિંડી

વડતાલ સ્વામિ. સંપ્રદાયના બે સ્વામિએ આચરી રૂ.સવા કરોડની છેતરપિંડી

મૂળ સુરેન્દ્રનગર પંથકના વતની અને હાલ લક્ષ્મીનગર નાલા પાસે જીવણનગરમાં રહેતા રહેતા ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહભાઈ વાઢેર (ઉ.વ.72)ને ડાકોરમાં મંદિર નિર્માણ અને જમીન ખરીદીના નામે શીશામાં ઉતાર્યા : રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખાએ બે સંત, ખજાનચી, જમીન દલાલ અને ખેડૂત સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

રાજકોટ : ​ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે ૩૫૪ વીઘા જમીન ખરીદ કરવાના બહાને આફ્રિકાથી દાન આવવાની લાલચ આપી કમિશન અને ઓછી કિંમતે જમીન અપાવવાના નામે ચોટીલાના નિવૃત શાસનાધિકારી પાસેથી રોકડા ૧.૨૫ કરોડ પડાવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ અમદાવાદના ચિંતન અશ્વિન પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય ઉર્ફે એમ.પી., આણંદના દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી., સુરતના લાલજી બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઇ રામી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વતની અને હાલ રાજકોટમાં લક્ષ્મીનગરના નાલા પાસે જીવણનગરમાં રહેતા​ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહ લઘરભાઇ વાઢેરએ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૦૪-૦૫માં મોરબી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા ત્યારે તેઓ રાજકોટથી મોરબી અપ-ડાઉન કરતા હતા. તે સમયે બસમાં ભાવેશ પરમાર નામની વ્યક્તિ પણ અપ-ડાઉન કરતી હતી અને મોરબીની નાની બજારમાં કાપડની દુકાન ચલાવતી હતી. મિત્રતાના સંબંધે નરસિંહ વાઢેર દુકાને બેસવા જતા ત્યારે ત્યાં જમીન-મકાન દલાલીનું કામ કરતો ચિંતન અશ્વિન પરમાર પણ આવતો હતો, જેની સાથે ભાવેશે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ મે ૨૦૨૦માં ચિંતનનો ફોન આવ્યો હતો અને ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશરે ૪૦૦ વીઘા જમીનમાં ભવ્ય મંદિર બનાવવા માંગતા હોવાની માહિતી આપી રોકાણ કરવા માટે સંતો સાથે મુલાકાત કરાવવાની વાત કરી હતી. થોડા દિવસો બાદ ફરી ફોન કરીને ડાકોર મંદિર પ્રોજેક્ટમાં રોકાણ કરવા સમજાવ્યા હતા અને તેમાં મિત્ર વિપુલ મનસુખભાઇ કાપડીયા પણ ભાગીદાર તરીકે જોડાશે તેમ જણાવ્યું હતું.

​ત્યારબાદ ચિંતને નરસિંહ વાઢેરને રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે બોલાવ્યા હતા. તે સમયે ફરિયાદીની સાથે તેમનો પુત્ર પીયુષ અને ભત્રીજો જગદીશ વાઢેર પણ હાજર હતા. મંદિરના ઉતારામાં ચિંતને માધવપ્રિય ઉર્ફે એમ.પી., દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી. અને લાલજી બાવભાઇ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી. બંનેએ ડાકોરના સૂઇ અને સૈયત ગામે મહુધા રોડ પર ૩૦૦થી ૪૦૦ વીઘા જમીનમાં ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવાનું આયોજન હોવાનું જણાવી મંદિરના પ્લાન અને નકશા બતાવ્યા હતા. તેમણે એવી દલીલ કરી હતી કે આફ્રિકાથી મોટું દાન આવવાનું છે અને દાતાને જમીન ખરીદનારનું અસલ સાટાખત બતાવવું પડશે, તેમજ સીધી જમીન ખરીદવામાં આવે તો ખેડૂત અને સગા-સંબંધીઓ વધુ રકમ માંગશે. જો ફરિયાદી પોતાના નામે સાટાખત કરાવે તો રોકાણ પર સારું કમિશન આપવામાં આવશે. દરમિયાન લાલજી ઢોલાએ પોતાને મંદિરના ખજાનચી તરીકે ઓળખાવી કારોબારી મીટિંગમાં સેટિંગ કરીને નાણાં પરત અપાવવાની ખાતરી આપી હતી અને ડાકોરના ખેડૂત જેકી રામી સાથે મુલાકાત કરાવવાનું નક્કી થયું હતું.

​દસ દિવસ બાદ ચિંતન પરમાર ફરિયાદી, પુત્ર પીયુષ અને ભત્રીજા જગદીશને ડાકોર લઈ ગયા હતા અને ત્યાંથી લાલજી ઢોલાને સાથે લઈ સૂઇ તથા સૈયત ગામે મહુધા રોડ પર જમીન બતાવી હતી. ત્યાં જમીન માલિક ખેડૂત જેકીકુમાર શરદભાઇ રામી સાથે મુલાકાત કરાવી કુલ ૩૫૪ વીઘા જમીન બતાવી હતી તેમજ પોતાની અને અન્ય ખેડૂતોની ૭-૧૨ અને ૮-અ ની નકલો બતાવી વીઘા દીઠ ૧૮ લાખ રૂપિયા ભાવ કહ્યો હતો. કાગળો તપાસ્યા બાદ જમીન ખરીદવાની વાત આગળ વધતા ચિંતને જેકીને રાજકોટ બોલાવ્યો હતો અને જેકી રામી, ચિંતન પરમાર તથા લાલજી ઢોલા ફરિયાદીના ઘરે આવ્યા હતા. ત્યાં ફરિયાદી, પુત્ર પીયુષ, ભાગીદાર વિપુલ કાપડીયા અને ભત્રીજા જગદીશની હાજરીમાં ૩૫૪ વીઘા જમીનનો ઉધડો ભાવ ૨.૭૬ કરોડ રૂપિયા નક્કી કરી સોદા પેટે ૧ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. જેકીએ બાકીના ૨ કરોડ રોકડા માંગતા ફરિયાદીએ પ્રથમ ૧.૨૫ કરોડ રોકડા આપવાની તૈયારી દર્શાવી હતી અને ત્યારબાદ માપણીશીટ તથા અસલ દસ્તાવેજો આપવાનું નક્કી થયું હતું.

​આ વ્યવહાર મુજબ તા.૦૮-૦૬-૨૦૨૦ના રોજ ફરિયાદી, પુત્ર પીયુષ, ભાગીદાર વિપુલ કાપડીયા, ભત્રીજો જગદીશ, પુત્રના મિત્ર ગૌરાંગ ઘોરડા, ચિંતન પરમાર અને લાલજી ઢોલા ડાકોર ગયા હતા. ત્યાં ખેડૂત જેકી રામીના ઘરે જમીન ખરીદ પેટે ૧.૨૪ કરોડ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા, જેનું ગૌરાંગ ઘોરડાએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. ત્યારબાદ ડાકોરના નોટરી અનિલ જે. સેવકની ઓફિસ ખાતે ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ઠાસરા તાલુકાના સૂઇ અને સૈયત ગામની સીમની આશરે ૩૫૪-૭૦ વીઘા જૂની શરતની જમીનનું વેચાણ સમજૂતી લખાણ એટલે કે સાટાખત ફરિયાદી અને ભાગીદાર વિપુલ કાપડીયાના નામે કરી આપવામાં આવ્યું હતું, જેમાં ૮ મહિનામાં બાકી રકમ ચૂકવવાની શરત હતી. જેકીએ ૧૫ દિવસમાં માપણીશીટ, ટાઈટલ ક્લિયર ફાઈલ અને જાહેર નોટિસ મોકલ્યા બાદ બાકીના ૧.૫૧ કરોડ આપવાનું કહ્યું હતું. બાદમાં સૌ પાનોલી ગામે ગયા હતા, જ્યાં માધવપ્રિય અને દર્શન પ્રકાશે આફ્રિકાના દાતા તથા નૈજાતમ નામના વ્યક્તિને બતાવવા માટે અસલ સાટાખત અને અસલ કાગળો પોતાની પાસે રાખી લીધા હતા અને ૧૦ દિવસમાં દાન આવ્યા બાદ રોકાણ, કમિશન અને બાકી રકમ ચૂકવી જમીનનો દસ્તાવેજ અન્યના નામે કરી આપવાની વાત કરી હતી.

​દસ દિવસ પછી નાણાં અંગે પૂછપરછ કરતા ચિંતને પાનોલી જઈને નાણાં લઈ આવવા કહ્યું હતું, જેથી ફરી પાનોલી જતા માધવપ્રિયએ આફ્રિકા જવાનું બાકી હોવાનું જણાવી સાથે આવવા કહ્યું હતું, જેનો ફરિયાદીએ ઈન્કાર કર્યો હતો. પંદર દિવસ બાદ ફોન કરતા દાનના પૈસા આવ્યા છે પરંતુ એફસીઆર સર્ટિફિકેટ બાકી હોવાનું બહાનું કાઢ્યું હતું અને ત્યારબાદના પંદર દિવસે દાતાએ દાન આપ્યું ન હોવાનું જણાવી જેકી પાસેથી નાણાં પરત લઈ લેવા કહ્યું હતું. ડાકોર જઈ જેકી રામી પાસે નાણાં માંગતા ૮ મહિનામાં બાકીના ૧.૫૧ કરોડ ન ચૂકવ્યા હોવાનું કારણ આપી લોકડાઉનની રજૂઆત છતાં નાણાં પરત આપવાનો ઈન્કાર કરી ધમકી આપી હતી. ફોન પણ ન ઉપાડાતા અને સાટાખત કે નાણાં પરત ન મળતા ફેબ્રુઆરી ૨૦૨૩માં ડાકોર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી, જ્યાં સમાધાન બેઠકમાં ૩૫૪.૭૦ વીઘાનો સાટાખત રદ કરી ૧.૨૫ કરોડની થતી જમીનનો ટાઈટલ ક્લિયર કરી રજિસ્ટર દસ્તાવેજ કરી આપવાનો કરાર થયો હતો, પરંતુ આજદિન સુધી દસ્તાવેજ કે નાણાં પરત ન મળતા આખરે રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર