ગુરુવાર, જૂન 11, 2026

ઈ-પેપર

ગુરુવાર, જૂન 11, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં મેશન ક્લબ સરાફી મંડળી સામે વ્યાજખોરી અને હેરાનગતિના ગંભીર આક્ષેપ, 40થી...

રાજકોટમાં મેશન ક્લબ સરાફી મંડળી સામે વ્યાજખોરી અને હેરાનગતિના ગંભીર આક્ષેપ, 40થી વધુ પીડિતો ન્યાયની માંગ સાથે આગળ આવ્યા

રાજકોટમાં મેશન ક્લબ સરાફી મંડળી સામે વ્યાજખોરી અને હેરાનગતિના ગંભીર આક્ષેપ, 40થી વધુ પીડિતો ન્યાયની માંગ સાથે આગળ આવ્યા

રાજકોટ શહેરમાં કાર્યરત મેશન ક્લબ સરાફી મંડળી સામે વ્યાજખોરી, માનસિક હેરાનગતિ અને કથિત ગેરકાયદેસર ઉઘરાણીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ભોગ બનનાર રાજીવ ભાસ્કરભાઈ દવેએ મંડળીના મુખ્ય સંચાલક પરાગ સોલંકી તેમજ રિકવરી એજન્ટ તરીકે કાર્ય કરતા મોન્ટુ ટાંક અને વિવેક ટાંક વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. પીડિતના જણાવ્યા મુજબ, વર્ષ 2019 દરમિયાન તેમણે મંડળી પાસેથી ₹1-1 લાખની લોન લીધી હતી, પરંતુ કોરોના મહામારી દરમિયાન આર્થિક સંજોગો બગડતાં હપ્તા ભરવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી.

આર્થિક મુશ્કેલીનો લાભ લઈ મંડળી દ્વારા કડક અને દબાણભર્યું વલણ અપનાવવામાં આવ્યું હોવાનું પીડિતે જણાવ્યું છે. તેમના ઘરના સામાનની જપ્તી માટે કાર્યવાહી કરાવવામાં આવી હતી. ઉપરાંત સમાધાનના નામે દબાણ કરી રાજીવભાઈને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પીડિતના જણાવ્યા અનુસાર તેમને કુલ 9 દિવસ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

જેલમાંથી મુક્તિ અપાવવા માટે તેમના સંતાનો પાસેથી આશરે ₹1.80 લાખની રકમ પડાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે પરિવારના સભ્યો પાસેથી 5-5 સહી કરેલા ચેક લેવામાં આવ્યા હતા અને નોટરાઈઝ્ડ દસ્તાવેજ પર સહી કરાવી એવી શરતો મૂકવામાં આવી હતી કે માતા-પિતાના મૃત્યુ બાદ પણ ભાઈ-બહેનોને પોતાની નોકરીના પગારમાંથી બાકી રકમ ચૂકવવાની રહેશે. આ પ્રકારની શરતોને લઈને પીડિત પરિવારે ગંભીર વાંધો ઉઠાવ્યો છે.

મુખ્ય આરોપી પરાગ સોલંકી હાલ જામીન પર મુક્ત થતાં પીડિત પરિવાર ભયના માહોલમાં જીવી રહ્યો હોવાનું જણાવાયું છે. વધુમાં મંડળી સામે એવો પણ આક્ષેપ છે કે રાજકોટના રહેવાસીઓ સામે દબાણ વધારવા માટે દ્વારકા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ચેક બાઉન્સના કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેથી પીડિતોને વારંવાર દૂરના શહેરોમાં કોર્ટના ધક્કા ખાવા પડે.

આ સમગ્ર મામલે હવે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ આશરે 40થી 50 જેટલા પીડિતો પણ આગળ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકોએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. પીડિતોનું કહેવું છે કે વર્ષોથી ચાલી રહેલી કથિત વ્યાજખોરી અને હેરાનગતિની પ્રવૃત્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

હાલ આ મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને પીડિત પરિવારો પોલીસ તેમજ વહીવટી તંત્ર પાસેથી નિષ્પક્ષ તપાસ અને ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર