રાજકોટ શહેરના મહત્વના સાંઢીયા પુલને ખુલ્લો મુકવા મામલે ફરી એકવાર ચર્ચા તેજ બની છે. પુલની કામગીરી પૂર્ણતાના આરે હોવા છતાં હજુ સુધી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે દરરોજ હજારો નહીં પરંતુ લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
સાંઢીયા પુલના નિર્માણ દરમિયાન વિવિધ તબક્કે કેટલીક ટેક્નિકલ ક્ષતિઓ અને ખામીઓ સામે આવી હતી. જેના કારણે મનપા દ્વારા કામગીરીની ગુણવત્તા અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા પુલને તાત્કાલિક ખુલ્લો મુકવાનો નિર્ણય ટાળવામાં આવ્યો હતો. સંબંધિત વિભાગ દ્વારા ખામીઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને હાલમાં મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે પુલની કામગીરી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. જોકે, જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને એક વખત વધુ અંતિમ નિરીક્ષણ કરવામાં આવશે. નિષ્ણાતો અને અધિકારીઓ દ્વારા પુલની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાંઢીયા પુલ શહેરના ટ્રાફિક માટે અત્યંત મહત્વનો માર્ગ માનવામાં આવે છે. પુલ બંધ હોવાના કારણે વાહનચાલકોને લાંબા ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. હવે શહેરવાસીઓ પુલ વહેલી તકે શરૂ થાય તેવી આશા રાખી રહ્યા છે.
હાલ તમામની નજર અંતિમ નિરીક્ષણ અને મનપાના નિર્ણય પર મંડાઈ છે કે ક્યારે સાંઢીયા પુલ વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવશે.


