(આઝાદ સંદેશ),રાજકોટ: વિસાવદરના બરડીયામાં 13 વર્ષની બાળકીને સિંહણે ફાડી ખાતાં હાહાકાર મચી ગયો છે. બાજુનાં ખેતરમાંથી પોતાના પિતાને બેટરી આપવા જતી બાળકીને સિંહણે શિકાર બનાવી 400 ફૂટ જેટલી દૂર ઢસડી ગયો હતો. બાળકીના પિતા બાળકીની શોધખોળ કરતા હતા ત્યારે સિંહણ બાળકી પર બેઠી હતી. બાળકીના પિતાએ તેમની પુત્રીનો જીવ બચાવવા માટે સિંહની સામે પડકાર ફેંકતા સિંહણ ત્યાંથી દૂર ચાલી ગઈ અને બાળકીને મૂકી દીધી હતી પરંતુ ત્યાં જ બાળકીનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ વન્ય પ્રાણીઓનો દિવસે દિવસે આતંક વધતો જઈ રહ્યો છે. વિસાવદર તાલુકાના બરડીયા ગામની સીમમાં ગજેરાની વાડીએ મૂળ મધ્યપ્રદેશના શ્રમિકો મજૂરી કામ અર્થે ઘણા સમયથી રહે છે. રાહલી બાટા નરસિંહ (ઉંવ.13) નામની બાળકી તેની બહેન સાથે બાજુના ખેતરમાં પાણી વાળવાનું કામ કરતા તેમના પિતાને બેટરી આપવા જતી હતી. તેવામાં તુવેરમાં છુપાયેલી સિંહણે રાહલી નામની બાળકીને અચાનક જ ગળાના ભાગેથી પકડી દૂર ઢસડી ચાલી ગઈ હતી. ત્યારબાદ તેની નાની બહેને બૂમાબૂમ કરી દોડીને તેના પિતા પાસે જઈ સમગ્ર વાતથી વાકેફ કર્યા હતા. તેના પિતા તેમની વ્હાલસોયી બાળકીને તુવેરમાં આમ તેમ શોધી રહ્યા હતા ત્યારે 400 મીટર જેટલી દૂર સિંહણ બાળકીનાં ગળાંના ભાગે બચકા ભરી તેના ઉપર બેઠી હતી.
બાળકીના પિતાએ પરિસ્થિતિ જોઈ સિંહણને પડકાર ફેંક્યો અને રઘવાઈ બનેલી સિંહણ બાળકીને મૂકી ત્યાંથી દૂર ચાલી ગઈ હતી. ત્યારબાદ ગ્રામજનોને જાણ થતા સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં બે સિંહણ અને એક બચ્ચું આંટાફેરા મારી રહ્યું છે. સિંહણ સામાન્ય રીતે માનવ પર હુમલો કરે નહીં પરંતુ હુમલાનું સાચું કારણ શું છે ? તે અંગે પણ વન વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ હુમલાખોર સિંહણને પકડવા માટે વન વિભાગની ટીમે ચક્રો ગતિમાન કર્યા છે. બરડીયા ગામમાં બાળકીને ફાડી ખાવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો છે.