જામનગર હાઈ-વે પર રણુજા નજીક કાલાવડ પાણી ભરવા પગપાળા જઇ રહેલા દસ વર્ષનાં બાળકને કાર ચાલકે કચડી નાખતાં મોત
(આઝાદ સંદેશ),રાજકોટ: ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોલ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં તેમના બાઈકના આડે રોઝડું ઉતરતાં અકસ્માત નડયો હતો અને ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું છે.
મળતી માહિતી મુજબ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અને ધ્રોલ એસ.ટી. ડેપોમાં એસ.ટી. બસના ચાલક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ દેવાણંદભાઈ જીલરીયા (ઉ.વ.46) કે જેઓ ગત 4 ડિસેમ્બરના રાત્રિના સમયે પોતાના ગામથી બાઈક પર નીકળીને ધ્રોલના એસટી ડેપો પર ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન ધ્રોલ નજીક પિયાવા ગામના પાટીયા પાસે રસ્તામાં એક રોઝડું આડું ઉતરતાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે સૌ પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પ્રતીકના વૃદ્ધ પિતા દેવાણંદભાઈ જીલરીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયાએ મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગર – કાલાવડ હાઇ-વે પર રણુજા નજીક નવઘણ ઉર્ફે કરમશી પંડત(ઉ.વ. 10) પગપાળા ચાલીને પાણી ભરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે તેને હડફેટમાં લઈ લીધો હતો, આથી તેને ગંભીર ઈજા થવાથી સારવાર માટે સૌ પ્રથમ જામનગરની અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે બાળકના પિતા રઘુભાઈ પંડતે કારના ચાલક સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.