કાલાવડ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા મહેશ વિંઝુડા (ઉ.વ.29)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમા કાલાવડ રોડ પર રહેતા 29 વર્ષના યુવાને વડવાજડી ગામે માવતરે રીસામણે બેઠેલી પત્ની, સસરા અને બે સાળાના ત્રાસ અને ધમકીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રીસામણે બેઠેલી પત્ની પોતાના માવતર સાથે મળી પુત્રીને મળવા નહી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કર્યો હોવાની મૃતક યુવાન પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. યુવકના મોતથી પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
મળતી વિગત મુજબ, કાલાવડ રોડ પર આવેલા ઈસ્કોન મંદિર પાછળ પરિવાર હા. સોસાયટીમા રહેતા મહેશ રામજીભાઈ વિંજુડા નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામા દોરડુ બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટના અંગે 108 ની ટીમને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જયા 108 ના ઇએમટીએ જોઈ તપાસી મહેશ વિંજુડાને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.
આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. આ અંગે મૃતક મહેશ વિંજુડાના નાના ભાઈ પિયુષ ઉર્ફે પોલો વિંજુડાની પ્રાથમીક પુછપરછમા મૃતક મહેશ વિંજુડા બે ભાઈ અને એક બહેનમા મોટો હતો અને તેને સંતાનમા 1 ત્રણ વર્ષની પુત્રી છે. પત્ની હેતલબેન સાથે અણબનાવ બનતા રાજકોટ નજીક આવેલા વડવાજડી ગામે હેતલબેન માવતરે પુત્રી સાથે રીસામણે ચાલી ગઈ હતી. હેતલબેને પતિ મહેશ વિંજુડા વિરૂધ્ધ ખાધા ખોરાકીની કોર્ટમા ફરીયાદ દાખલ કરી છે અને મહેશ વિંજુડા ખાધા ખોરાકી પણ ચુકવતો હતો.
મહેશ વિંજુડા રીસામણે બેઠેલી પત્ની પાસે રહેલી પુત્રી માન્વીતાને મળવા ગયો હતો ત્યારે પત્ની હેતલબેન વિંજુડા, સસરા કરશનભાઈ બાટા, સાળા કમલેશ બાટા અને વિમલ બાટાએ ઝઘડો કરી માર માર્યો હતો અને ફરી વખત મહેશ વિંજુડા પુત્રીને મળવા ગયો હતો ત્યારે પત્ની, સસરા અને બંને સાળાએ ઝઘડો કરી તને જીવવા નહીં દઇએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે આપઘાત કર્યો હોવાની યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે.
મૃતક યુવાન પાસેથી મળે આવેલી બે પાનાની સ્યુસાઈડ નોટમા પણ મૃતક મહેશ વિંજુડાએ પત્ની હેતલબેન, સિર કરશનભાઈ, સાળા કમલેશ અને વિમલ તેની પુત્રીને મળવા દેતા નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે મૃતકના ભાઈએ નોંધાવેલી ફરીયાદ અને સ્યુસાઈડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.