(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટમાં પ્રથમવાર બિલ્ડર્સને ત્યાં સીજીએસટીના દરોડા પડ્યા છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ અને અંબિકા ટાઉનશિપમાં જેમની સાઈટ આવેલી છે તે પ્રાઈડ ગ્રૂપ, આઈકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળિયા એમ્પાયર, મધુવન વિલા અને મંગલમમાં તપાસ હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટના માલિક પ્રિતેશ પીપળિયા અને રોહિત રવાણી હોવાનું ખુલ્યું છે. ગુરુવારે સવારથી હાથ ધરાયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. આ તપાસ હજુ બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. બિલની ચૂકવણી અને બુકિંગમાં રોકડના વ્યવહારો ખુલ્યા. તપાસ દરમિયાન ખરીદ- વેચાણના દસ્તાવેજો કબજે કર્યા છે.
બિલ્ડર્સને ત્યાં હાથ ધરાયેલી સીજીએસટીની તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો ખૂલી છે. અધિકારીઓના જણાવ્યાનુસાર સીજીએસટી ન ભરવો પડે તે માટે બિલની ચૂકવણી રોકડમાં કરાતી હતી. તેમાં કાચો માલ ખરીદવાથી લઇને અન્ય ફિનિશિંગની પ્રોડક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કમ્પ્લીશન સર્ટિફિકેટ મળે તે પહેલાં જ એડવાન્સ બુકિંગ કરી લેવામાં આવતું હતું. તેના નાણાં પણ રોકડમાં લીધા હોવાનું ખુલ્યું. રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં 5 ટકાથી લઇને 12 ટકા સુધીનો ટેક્સ દર વસૂલવામાં આવે છે. સામાન્ય રીતે પેમેન્ટની જે ચૂકવણી થાય છે તે આઇટીની તપાસમાં બહાર આવતી હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર સી-જીએસટીની ટીમે પણ રોકડમાં થતી લેતી દેતીની બાતમી મળ્યા બાદ તેની ખરાઈ કરાઈ હતી. આ ખરાઈ કરવા માટે સીજીએસટીના કર્મચારીઓ અને અધિકારીઓ ગ્રાહક બનીને ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. દરેક ગ્રૂપના તમામ વ્યવહારો પર સીજીએસટીની નજર છેલ્લા 3 મહિનાથી હતી અને રિપોર્ટ વડી કચેરીને પણ મોકલાયો હતો.
સામાન્ય રીતે બિલ્ડર્સને ત્યાં આઈટી વિભાગ રેડ પાડી મોટા પ્રમાણમાં ટેક્સચોરી ઝડપી લેતી હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર બિલ્ડર્સને ત્યાં સીજીએસટીની ટીમે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઈન્કમટેક્સની પણ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. આથી આઈટી વિભાગને પણ જાણ કરાશે. આ ઉપરાંત જેમણે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તેમની પણ તપાસ કરવામાં આવશે.