18 વર્ષ પૂર્વે ભરત ગોહેલે ઇલેકટ્રીક પોલ સપ્લાયના કોન્ટ્રાકટના બીલ પાસ કરાવવા રૂ.6500ની લાંચ લીધી’તી…
(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જિનિયરે 18 વર્ષ પહેલા ઇલેકટ્રીક પોલ સપ્લાયના કોન્ટ્રાકટના બીલ પાસ કરાવવા રૂ.6500 ની લાંચ લીધી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જીનીયરને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ સોમનાથ રહેતા ફરીયાદી મુકેશભાઈ બાબુભાઈ શાહે પી.જી.વી.સી.એલ.ને જુનાગઢ-પોરબંદર સર્કલમાં 1620 ઈલેકટ્રીક પોલ સપ્લાય કરવાના કોન્ટ્રાકટ પેટે પોતાના બીલ મુકેલ હતા. આ બીલો રાજકોટ ખાતે પીજીવીસીએલના એકઝીકયુટીવ એન્જિનિયર ભરત ભીખાભાઈ ગોહેલે પાસ કરવાના થતા હતા. આ બીલની રકમ પાસ કરવા માટે આરોપીએ પ્રતિ પોલના રૂ.04 લેખે રૂ.6,480 લાંચ પેટે માંગેલ હતા. ફરીયાદી મુકેશભાઈ શાહે આ અંગે એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા ટ્રેપ દરમીયાન એકઝીકયુટીવ એન્જીનીયર ભરતભાઇ ગોહેલ રંગે હાથ ઝડપાયા હતાં. જે કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ હતો કે આ લાંચની રકમ આરોપીના ટેબલની પાછળ ડસ્ટબીનમાંથી મળી આવેલ હતી તેથી આરોપીએ લાંચની માંગણી કરેલ હોય કે લાંચ સ્વિકારેલ હોય તેમ સાબીત થતું નથી. આ ઉપરાંત આરોપીએ પોતે સોગંદ ઉપર જુબાની આપી બચાવ લીધેલ હતો કે ટ્રેપ વખતે આરોપી પોતાના સીનીયર ઓફિસરને મળવા માટે ઉપરના માળે ગયેલ હતા તેથી ફરીયાદી અને પંચ આરોપીની ચેમ્બરમાં તેમની ગેરહાજરીમાં આવેલ હતા અને તેથી આ રકમ તેમના ડસ્ટબીનમાં કેવી રીતે આવેલ છે તે તેઓ જાણતા ન હતા. દરમિયાન સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ કરેલી દલીલમાં અંતે સ્પેશ્યલ કોર્ટના જજ વી.બી. ગોહિલે આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.