શનિવાર, સપ્ટેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, સપ્ટેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટગોંડલના મોવિયામાં ‘નલ સે જલ’ યોજનાના કામોમાં લાખોનો ભ્રષ્ટાચાર : સીએમ સમક્ષ...

ગોંડલના મોવિયામાં ‘નલ સે જલ’ યોજનાના કામોમાં લાખોનો ભ્રષ્ટાચાર : સીએમ સમક્ષ તપાસની માંગ!

રાજકોટના રામ કન્ટ્રક્શનને વર્ક ઓર્ડર અપાયો, બે વર્ષથી વધુ સમય વિતી ગયો છતાં હજુ સુધી મોટાભાગનું કામ અધુરૂ હોવાના આક્ષેપો : પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામ થયુ નથી…? : ગાંધીનગર ખાતેની ‘વાસ્મો’ની કચેરીમાંથી તા.12-5-2021ના રોજ રૂ.3,29,58,513.43ના કામનું ટેન્ડર મંજૂર થયુ હતુ : વડાપ્રધાન સુધી ફરિયાદ

(આઝાદ સંદેશ), રાજકોટ : સમગ્ર રાજ્યની પ્રજાને ઘરે બેઠા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે દરેક જિલ્લામાં સરકાર કરોડોનો ખર્ચ કરે છે પરંતુ કયારેક આ સુંદર યોજના નલ સે જલ (જલ જીવન મિશન) તંત્રના અમુક ભ્રષ્ટ અધિકારી કે ચોક્કસ સ્ટાફ કોન્ટ્રાકટરની સાથે મીલી ભગત કરી ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં આવી યોજનાનું બાળ મરણ થઇ જતુ હોય છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં જ આવો એક કિસ્સો બહાર આવ્યો છે. મોવિયામાં એન.આર.ડી.ડબલ્યુ.પી. યોજના અંતર્ગત ‘નલ સે જલ’ના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથેની ફરિયાદ વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, પોરબંદરના સાંસદ માંડવિયા તેમજ ગાંધીનગર ખાતે જલસેવા ભવનના મુખ્ય કારોબારી અધિકારી (વાસ્મો વડી કચેરી)ને મોકલી તટસ્થ તપાસ કરવા મોવિયા ગામના જાગૃત નાગરિકો શૈલેષભાઇ ઠુંમર, વાઘજીભાઇ પડારિયાએ માંગ કર્યાનું ગોંડલના ટોંચના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ઉપરોકત ગોંડલના મોવિયામાં સરકારની એન.આર.ડી.ડબલ્યુ યોજના ‘નલ સે જલ’ (જલ જીવન મિશન) હેઠળ સૌપ્રથમ વહિવટી મંજૂરી તેમજ ડીટીપીએસ મંજૂરી મુજબ રૂ. 3,29,58,513.43નું કામ મંજૂર થયુ હતુ. ગાંધીનગર ખાતે ઉચ્ચ અધિકારી સુધી પહોંચેલી આ ફરિયાદમાં દર્શાવ્યા અનુસાર તા.12-11-21ના રોજ મળેલી મંજૂરી મુજબ ઉપરોકત કામ માટે તા.9-2-22થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. મંજૂર થયેલા કામના ટેન્ડર બાબતે મુખ્ય ઇજનેર વાસ્મો, ગાંધીનગરના પત્ર નંબર વાસ્મો, પી.એમ.યુ.,ટેન્ડર પરચેઝ કમિટી,2021-22/27/1781/2021 અંતર્ગત ઓર્ડર નીકળ્યો હતો. પરંતુ આ કામમાં 9.43%નો વધારો મંજૂર કરાવી પાછળ ખોટી માહિતી અપાયાના આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામે એન.આર.ડી.ડબલ્યુ.પી. યોજના ‘નલ સે જલ’ના કામના પ્લાન એસ્ટીમેન્ટ તેમજ આપેલા વર્ક ઓર્ડર મુજબ કામના ઓગ્મેન્ટેશન જનરલ ઇન રૂરલ એરિયા ટેપ કનેક્ટિવિટી પાણી પુરવઠા યોજનામાં 10 લાખ લિટર ભૂગર્ભ સંપ માટેનું કામ હતુ જેમાં પીબીસી અને ડીઆઇ કે-7 પાઇપલાઇન અને વાલ્વ ખરીદી, ખોદાણ, બુરાણ, પાઇપલાઇન ફિટિંગ, પંપરૂમ, પમ્પીંગ મશીનરી, ઘર કનેકશન ફિટિંગ, ભીંત સૂત્રો, પારદર્શક બોર્ડ, વોટર કવોલિટી બોર્ડનું કામ હતું. આ કામમાં 9.43%નો બુદ્ધિપૂર્વક વધારો મંજૂર કરાવવા પાછળ ભ્રષ્ટાચારની બદબૂ આવી રહ્યાની વ્યાપક ચર્ચા ઉઠી છે અને મોવિયાના શૈલેષભાઇ તેમજ વાઘજીભાઇએ ગાંધીનગર મુખ્યમંત્રીને પણ વિસ્તૃત ફરિયાદ કરી દોષિતો સામે પગલાં લેવાની માંગ કરી છે. ઉપરોકત ‘નલ સે જલ’ યોજનાની કામગીરીમાં 9.43%નો વધારો મંજૂર કરાવી રૂ.31,76,660.68ના એકસેસ/એકસ્ટ્રા આઇટમની મંજૂરી મળેલ જે એકસેસ/એકસ્ટ્રા આઇટમની વધારાના કામની ખરેખર કોઇ જ જરૂરિયાત જ ન હતી આમ છતાં ફકત ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના હેતુથી ગામને વિશ્ર્વાસમાં લીધા સિવાય ગામના અમુક લોકોએ રાજકીય વગ વાપરી સાંઠગાંઠના પગલે ખોટી માહિતી આપી આ વધારો મંજૂર કરાવી લીધાના ચોંકાવનારા આક્ષેપો થઇ રહ્યા છે. ફરિયાદની તપાસ કાગળ ઉપર થતી હોવાની વ્યાપક ચર્ચા ઉઠી છે.
નવાઇની વાત તો એ છે કે, આ મંજૂર થયેલા કામને બે વર્ષથી વધારે સમય વિતી ગયો હોવા છતાં હજુ સુધી મોટાભાગનું કામ હજુ બાકી છે અને જે કામ થયુ છે તે પણ કોઇપણ પ્રકારના લાઇન-લેવલ વગર આડેધડ થયાનું ગાંધીનગર ખાતે કરવામાં આવેલી ફરિયાદ (રજૂઆત)માં દર્શાવ્યું છે. આ કામગીરીમાં પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કોઇ કામ થયુ ન હોવાના પણ આક્ષેપો થયા છે જે કંઇ કામગીરી થઇ છે તેમાં અમુક નબળી કક્ષાનું થયુ હોવાથી મોવિયા ગામની પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે અને તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.

રાજકોટની વાસ્મો ઓફિસના એન્જિનિયર સાથે કોની સાંઠગાંઠ…?

ગોંડલના મોવિયામાં એન.આર.ડી.ડબલ્યુ.પી. યોજના અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારમાં રાજકોટ ખાતેની વાસ્મોની કચેરીના અમુક એન્જિનિયર, અધિકારીના હાથ ખરડાયા હોવાની છાપ ઉભી થઇ છે. આ કચેરીના એન્જિનિયર સાથે મોવિયાના રાજકીય વગ ધરાવતા અમુક લોકોની સાંઠગાંઠ જવાબદાર છે ? તે પ્રશ્ર્ન ઉપસ્થિત થઇ રહ્યો છે. સમગ્ર પ્રકરણમાં કામની જોગવાઇને નેવે મુકી પોતાની મનમાની કરી અધુરૂં તેમજ નબળું કામ હોવા છતાં થયેલા કામ કરતાં વધુ કામ દર્શાવી કરોડોનો ખર્ચ ઉધારવામાં આવ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. કામમાં દર્શાવ્યા અનુસાર જે એકસેસ/એકસ્ટ્રા આઇટમની વધારાનું કામ મંજૂર થયેલ છે તે મુજબ તો ખરેખર એકપણ કામ થયું ન હોવાની અને ખર્ચ કર્યાનું સામે આવ્યાની વિગતો બહાર આવી છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજનામાં પૈસાનું પાણી કરનારા ભ્રષ્ટાચારીઓને સજા કરો : શૈલેષ ઠુંમર
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અતિ મહત્વાકાંક્ષી આ સરકારી યોજનામાં પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી સરકારી નાણાનો વેડફાટ કરવામાં આવ્યો હોવાની વિસ્તૃત વિગતો સાથેની તપાસ માટે રાજ્યના મુખ્યમંત્રી સુધી મોવિયાના જાગૃત નાગરિકોએ ફરિયાદ કરી છે. ખરેખર કામમાં ભ્રષ્ટાચાર થયાની વિગત સાચી હોય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગણી પ્રબળ બની છે. ગોંડલના મોવિયા ગામમાં નલ સે જલ (જલ જીવન મિશના હેઠળ મંજૂર થયેલા કામમાં હાલ સુધીમાં થયેલા કામમાં ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સચોટ વિગતો બહાર આવે તેમ છે અને સરકારી નાણાનો વ્યય થતો અટકે, બીજી તરફ મોવિયાના શૈલેષભાઇ અને વાઘજીભાઇએ માંગ કરી છે કે, સરકારી નાણાની પરત વસુલાત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી સજારૂપ દાખલો બેસાડવા તેમજ વિજીલન્સ તપાસની પણ માંગ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર