કાલાવડના ખંઢેરામાં 204 બોટલ સાથે એકની અટક : સપ્લાયરની શોધખોળ : નાગેશ્વરમાં શરાબની 47 બોટલ સાથે એક ઝબ્બે : રસનાળમાં દારૂની 30 બોટલ મુકી શખ્સ રફુચક્કર : શંકરટેકરીમાં 48 ચપટા મળી આવ્યા
(આઝાદ સંદેશ), જામનગર : જામનગર જિલ્લામાં પોલીસે જુદા જુદા 6 સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂની 293 બોટલ, 48 ચપટા સાથે શખ્સોને પકડી લીધા હતા, 4ની સંડોવણી સામે આવી છે. કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે એક મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોય તેવી બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે મુદામાલ કબ્જે કરી મકાન માલિક શખ્સની અટકાયત કરી છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં નાગેશ્વર વિસ્તારમાં કોળી સમાજની વાડી પાસે રહેતા એક શખ્સના રિક્ષાની પોલીસે તલાશી લેતાં રિક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ તેમજ રિક્ષા સાથે આરોપીની અટકાયત કરી છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે. જયારે શંકરટેકરીમાં શરાબના 48 ચપટા સાથે એક ઝપટમાં આવ્યો હતો, જોડીયાના રસનાળમાં એક શખ્સ દાની બોટલો મુકીને નાશી છુટયો હતો આ ઉપરાંત સાધના કોલોની વિસ્તાર, એમપી શાહ ઉધોગ, સીટી-સી વિસ્તારમાં પોલીસે દરોડા પાડયા હતા. મળતી માહિતી મુજબ, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે રહેતાં ચંદુભા ગોવુભા જાડેજા નામના શખ્સે પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો હોય અને જેનું ખાનગીમાં વેચાણ કરતા હોય તેવી બાતમી સ્થાનિક પોલીસને મળી હતી. આથી પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જયાં રહેણાંક મકાનની તલાશી લેતાં ત્યાંથી રૂપિયા 1,0ર,000ની કિંમતની ઈંગ્લીશ દારૂની ર04 બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી મકાનમાલિક ચંદુભા ગોવુભા જાડેજાની અટકાયત કરી હતી. તેમની પૂછપરછમાં આ જથ્થો ખંઢેરા ગામે રહેતાં પરાક્રમસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે સપ્લાય કયર્નિું જણાવતા પોલીસે આરોપી પરાક્રમસિંહ જાડેજાને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
બીજા દરોડામાં જામનગરમાં નાગેશ્વર કોલોનીમાં આવેલ નાગેશ્વર પાર્કમાં કોળી સમાજની વાડી પાસે રહેતો કેતન ભીખુભાઈ ઢાપા નામના શખ્સે પોતાની જીજે10 ટીજે 1888 નંબરની ઓટોરિક્ષામાં ઈંગ્લીશ દારૂ સંતાડયો હોવાની બાતમી પોલીસને મળી હતી. આથી સ્થળ પર જઈ રિક્ષાની તલાશી લેતાં તેમાંથી રૂપિયા ર3,પ00ની કિંમતની 47 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂનો જથ્થો તેમજ રિક્ષા સહિત કુલ રૂપિયા 1,73,પ00નો મુદામાલ કબ્જે કરી આરોપી કેતન ઢાપાની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં આ જથ્થો વિમલ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે સપ્લાયર વિમલ નામના આરોપીને ફરારી જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં ખોડીયાર કોલોનીમાં રહેતા હનીફ રૂસ્તમ મીર અને યાદવનગરના જીતેન્દ્ર નાનાલાલ શીલુ આ બંનેને ઇંગ્લીશ દારૂની બે બોટલ હેરાફેરી કરતા સીટી-સી પોલીસે પકડી લીધા હતા.
ચોથા દરોડામાં પટેલ કોલોની શેરી નં. 10માં રહેતા બ્રિજરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને ઇંગ્લીશ દારૂની 1 બોટલ લઇને નીકળતા એમપી શાહ ઉધોગનગરમાંથી પકડી લીધો હતો.
પાંચમા દરોડામાં જામનગરના શંકરટેકરી સિઘ્ધાર્થ કોલોનીમાં રહેતા દિવ્યેશ ગીરધર રાઠોડ નામના શખ્સના મકાને પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ ના 48 ચપટા સાથે પકડી પાડયો હતો અને આ જથ્થો કયાથી મેળવ્યો એ બાબતે પુછપરછ કરી હતી.
છઠ્ઠા દરોડામાં જોડીયાના રસનાળ વિસ્તારમાં એક શખ્સ ઇંગ્લીશ દારૂની 30 બોટલો રાખીને નાશી છુટયો હતો જે પોલીસે કબ્જે કરી અજાણ્યા ઇસમની શોધખોળ આદરી છે.