વીંછિયાના નાનામાત્રાની શ્રદ્ધા ડેરવાડિયા (ઉ.વ.16)ને સાયલા તાબેના કોટડા ગામનો ચિરાગ ધોરિયા (ઉ.વ.21) ગત ગુરૂવારે ભગાડી ગયો’તો : વીંછિયા પોલીસમાં અપહરણનો ગુનો નોંધાયો’તો : બન્નેને સમાજ એક નહીં થવા દે તેવા ડરથી આત્મહત્યા કરી લીધાની શંકાએ પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી તપાસ શરુ કરી
(આઝાદ સંદેશ), રાજકોટ : ચોટીલાનાં લાખણકા ગામનાં વાડી વિસ્તારમાંથી ગત રાત્રે યુવક અને સગીરાનાં ભેદ ભરમ સર્જતા મૃતદેહ મળી આવતા ચકચાર જગાવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ ગત રાત્રે આઠેક વાગ્યાના સુમારે લાખણકા ગામનાં વાડી વિસ્તારમાં આવેલ મકાનનાં ઉપરના માળે એક યુવક અને સગીરા મરણ ગયેલ હાલતમાં હોવાની ચોટીલા પોલીસને જાણ થતા પીઆઇ આઈ બી. વલવી તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી જઇ મામલતદાર સમક્ષ પ્રાથમિક પંચકામ કરી બંન્ને મૃતદેહને હોસ્પિટલ પીએમ માટે ખસેડયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને મરણજનાર યુવક સાયલાનાં કોટડા ગામનો ધોરીયા ચિરાગ લધુ ભાઈ (ઉ.વ.22) અને યુવતી સગીર વયની વિછીંયા તાલુકાનાં નાના માત્રા ગામની હોવાનું જાણવા મળતા બંન્ને ના પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી છે પોલીસની પ્રારંભીક તપાસમાં મરણજનાર બંન્ને એક જ સમાજના હોવાનું અને બંન્ને વચ્ચે આજના સમયનો આકર્ષણમાં પાંગરતો પ્રેમ સંબંધ હોવાનું અને થોડા દિવસ પહેલા બંન્ને યુવા હૈયા ઓ એક ગયેલ હોવાનું કહેવાય છે. બે દિવસ પૂર્વે નાના માત્રાની સગીર યુવતી ને બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પોક્સો સહિતની કલમ હેઠળ મરણ ગયેલ યુવક સામે વિછીયા પોલીસમાં ગુનો નોંધાયેલ હોવાનું પણ જાણવા મળે છે.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મરણજનાર બંન્ને કોઈ વ્યક્તિ મારફત લાખણકા વિસ્તારમાં આવેલ હોવાનું અને કેવા સંજોગોમાં બંન્ને ના મરણ નિપજ્યાં તે અંગે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલ બંન્ને ના મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે અને સમગ્ર બનાવને લઈ ને પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરેલ છે. ત્યારે લાખણકા વાડી વિસ્તારમાંથી મળેલ યુવક અને સગીરાના મૃતદેહ અંગે બંન્ને ના પરિવારજનો પુછપરછ અને ફોરેન્સિક અહેવાલ બાદ તપાસમાં શું હકીકત ખુલે છે તે જોવાનું રહે છે. મરણજનાર યુવાન અને સગીરાનું આત્મઘાતી પગલું કે અન્ય કંઇ તે અંગે હાલ ચોટીલા પોલીસે એડી દાખલ કરી મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. આ ઘટનામા મૃતક શ્રદ્ધા એક ભાઇ પાંચ બહેનમાં પાંચમા નંબરની હતી. પિતા ખેતીકામ કામ કરે છે. તેમજ ચિરાગ ચાર ભાઈ એક બહેનમાં બીજો હતો અને તેમને માતા હયાત નથી. તેમજ પિતા ખેતીકામ કરે છે. બંન્નેના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.