પેમેન્ટ એગ્રીગેટર કંપની પેટીએમના શેરમાં ૧૦% નો મોટો ઘટાડો : સરકાર મૂંઝવણમાં મુકાઈ હોવાના અહેવાલ
(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દેશમાં રોકડને બદલે ડિજિટલ વ્યવહારની પહેલ કરનાર મોદી સરકાર દ્વારા હવે રૂ.૨૦૦૦ રૂપિયાથી વધુના યુપીઆઇ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ કરવાની તૈયારી કરતા જ દેશભરમાં વ્યાપક વિરોધ ઉઠ્યો છે. બીજીતરફ ભીંસમાં મુકાયેલી સરકાર હવે એમડીઆર લાગુ કરવાની તારીખ આગળ વધારે તેવા સંકેત મળી રહ્યા છે. અગાઉ આ નિયમ ૧૫ ઓક્ટોબરથી લાગુ થવાનો હતો, પરંતુ હવે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ટાળવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તહેવારોની સિઝનમાં સરકાર અને એનપીસીઆઈના આ સંભવિત નિર્ણયથી છૂટક વેપારીઓને મોટી રાહત મળી શકે છે.
યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆરને લઇ દેશમાં વિરોધ શરૂ થયો છે તેવા સમયે જ ગુરુવારે પેમેન્ટ એગ્રીગેટર કંપની પેટીએમના શેરમાં ૧૦% નો મોટો ઘટાડો નોંધાયો હતો અને શેર થોડા સમય માટે લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. કંપનીનું માર્કેટ કેપ ૧ લાખ કરોડ રૂપિયાની નીચે આવી ગયું છે. બજાર ખૂલ્યાની ગણતરીની મિનિટોમાં જ પેટીએમના માર્કેટ કેપમાં આશરે ૧૦,૯૭૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ ઉપરાંત, મોબીક્વિકના શેરમાં ૮% થી વધુનો અને પાઈન લેબ્સ ના શેરમાં ૪% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.ચાલુ મહિનાની શરૂઆતમાં જથ્થાબંધ અને છૂટક વેપારીઓએ ૨૦૦૦ થી વધુના યુપીઆઇ પેમેન્ટ પર સૂચિત ફીના વિરોધમાં ‘નો યુપીઆઇ ડે’ પણ મનાવ્યો હતો.
બીજીતરફ બુધવારે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની કમિટીની બેઠકમાં આ મુદત અને અન્ય બાબતો પર ચર્ચા થઈ હતી. જેમાં કમિટી વાર્ષિક ૪૦ લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓનેએમડીઆર ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પર પણ વિચાર કરી રહી છે. હાલના માળખા મુજબ, માત્ર ૧ લાખ રૂપિયા સુધીનું માસિક ટર્નઓવર ધરાવતા વેપારીઓને જ આ નિયમમાંથી છૂટ મળવાની હતી. સરકાર આગામી થોડા દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.


